નવસારી: કોરોના મહામારીને કારણે જાહેર લોકડાઉનમાં નવસારી RTOનું કામ કાજ વાહન ધારકો માટે બંધ કરાયુ હતું. જેને કારણે નવા વાહનોની નોંધણી, નવા લાયસન્સ, લાયસન્સ માટેની પરીક્ષા, નંબર પ્લેટ, સહિતના કામો અટક્યા હતા. પરંતુ કચેરીમાં તબક્કા વાર કર્મચારીઓની સંખ્યા વધતા અને હવે સરકારે 100 ટકા કર્મચારીઓ સાથે કામની છૂટ આપતા ગુરૂવારથી RTO કચેરી શરૂ થઈ છે.
ઓનલાઈન એપોઇન્ટમેન્ટ સાથે શરૂ થઈ નવસારી RTO કચેરી
કોરોના કાળમાં બંધ પડેલી સરકારી કચેરીઓ નાગરિકો માટે શરૂ થઈ છે. જેમાં આજથી નવસારી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી પણ વાહન ધારકો માટે શરૂ થઈ છે. જ્યા રોજના સેંકડો લોકોની અવર-જવર હોય છે, ત્યાં સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે રોજની 100 ઓનલાઈન એપોઇન્ટમેન્ટ આપીને કચેરીના કામનો આરંભ કરાયો છે.
જેમાં કોરોના કાળને ધ્યાને રાખી, સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે એ હેતુથી રોજના 100 વાહન ધારકોને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ આપી, અટકેલા કામોને વેગ અપાયો છે. જોકે આજે પ્રથમ દિવસે કચેરીમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. જ્યારે એપોઇન્ટમેન્ટ સાથે આવનારા ગ્રાહકોને પણ મુખ્ય ગેટથી કામ અંગેની પૂછપરછ બાદ, હેન્ડ સેનેટાઇઝ કરાવી, થર્મલ સ્ક્રીનીંગ અને તેમની વિગત નોંધી કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે RTO દ્વારા કચેરીમાં એજન્ટ પ્રથા બંધ હોવાના દાવા સાથે ગ્રાહકોને ઓન લાઈન અરજી તેમજ પેમેન્ટ કરવાની વાત કરી હતી.