ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Rain News: નર્મદા, ભરૂચ અને વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, પૂરનું સંકટ ટળી ગયું

ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો હોવાની સાથે અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરવાના સમાચાર પણ મળી રહ્યા છે. નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિ હળવી હોવાની માહિતી સામે આવી છે. વાંચો નર્મદા ડેમની હાલની સ્થિતિ અને નર્મદા, ભરુચ તેમજ વડોદરામાં પૂરનું સંકટ ટળ્યું હોવાના સમાચાર વિશે વિગતવાર.

નર્મદા ડેમમાંથી ઓછું પાણી છોડાતા રાહત
નર્મદા ડેમમાંથી ઓછું પાણી છોડાતા રાહત

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 1:58 PM IST

નર્મદા ડેમમાં પાણી 138.68 મીટરની સપાટી પર રહેતા હાશકારો

નર્મદાઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના પરિણામે એક સાથે 20 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમ તરફ ધસી આવ્યું હતું. મધ્યપ્રદેશ તરફથી આવતા પાણીના જથ્થાને પગલે નર્મદા નિગમ અધિકારીઓના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. નિગમે નર્મદા બંધના દરવાજા તબક્કાવાર ખોલી આ પાણીને નર્મદામાં છોડ્યું હતું. જેથી નર્મદાનું સ્તર વધ્યું હતું. જેના પરિણામે ગઈકાલે નર્મદા નદીની આસપાસના વિસ્તારોમાંથી 12000 નાગરિકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું.

નર્મદા ડેમમાં પાણીના જથ્થાના ઘટાડાથી રાહત

નર્મદા ડેમમાં પાણી 138.68 મીટરની સપાટી પરઃ આજે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા પૂરની સ્થિતિ હળવી બની છે. નર્મદા ડેમમાં હાલ પાણીની સ્થિતિ 138.68 મીટરે સ્થિર જોવા મળે છે. ડેમમાંથી ઓછા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવતા ગાંડીતૂર બનેલી નર્મદા નદી હાલ ધીરે ધીરે શાંત બની રહી છે. આ સ્થિતિમાં તંત્ર અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. અનેક સ્થળોએ પાણી ઓસરતા બંધ થયેલા રસ્તાઓ પર વાહન વ્યવહાર પૂર્વવત બન્યો છે.

નર્મદા નદીમાં 5.18 લાખ ક્યુસેક પાણીઃમધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના દરવાજા બંધ કરાતા 5,18,579 ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાં થઈ છે. નર્મદા ડેમના 23 દરવાજા અને રિવર બેડ પાવર હાઉસમાંથી કુલ મળી 5,18,579 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી દેવામાં આવ્યું છે. હાલ નર્મદામાં માત્ર 5.18 લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે.

રાહત કામગીરી પૂરજોશમાંઃ તંત્ર દ્વારા પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. જે વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા હોય તે વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમનું સલામત સ્થળાંતર કરાયું હતું તેમના પુનઃવસનની પ્રક્રિયા ઝડપી કરાઈ છે. વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે માર્ગોનું સમારકામ શરૂ કરી દેવાયું છે. ટૂંકમાં પૂરનું સંકટ હળવું થતા નાગરિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

  1. Gujarat Rain Update : ફરીથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે, દરિયો તોફાને ચડવાની શક્યતાઓ
  2. Junagadh Rain : જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, રોડ પર બે ફૂટ પાણી ભરાયા

ABOUT THE AUTHOR

...view details