નર્મદાઃ રાજપીપળામાં કોડીન ફોસ્ફેટ ડ્રગનું વેચાણ વધી રહ્યું છે. જેના પગલે શહેરના યુવાનો આ નશીલા પદાર્થની લતે ચઢી રહ્યાં છે. તો છેલ્લા બે મહિનાના લોકડાઉનમાં અન્ય નશીલા પદાર્થો નહીં મળતા કફ સિરપના રવાડે ચઢ્યા છે.
રાજપીપળામાં કોડીન ફોસ્ફેટ ડ્રગના વેચાણમાં વધારો, યુવાઓનું ભાવિ જોખમમાં
લોકડાઉનમાં નશીલા પદાર્થોનું વેંચાણ વધી રહ્યું હોવાથી રાજપીપળામાં યુવાનો ડ્રગનો રવાડે ચઢી રહ્યાં છે. જેથી જિલ્લામાં ફેલાયેલા ડ્રગ માફિયાને શોધી તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની લોકમાગ પ્રબળ બની છે.
મળતી માહિતી પ્રમાણે, છેલ્લા કેટલાંક સમયથી રાજપીપળામાં સાઇલન્ટ ડ્રગનું વેચાણ વધી રહ્યું છે. શહેરની એક શાળા પાસે કેબીનની પાછળના ભાગમાં મોટાપાયે વેચાઈ રહ્યું છે. જેનાથી યુવાધનનું ભાવિ જોખમાયું છે. ફિઝિશિયનના જણાવ્યાનુસાર, આ એક કફ સીરપ છે. જેની એ બોટલ પીવાથી નશાનો અનુભવ થાય છે. મોટાભાગે આ દવા કેન્સરના દર્દીઓને આપવામાં આવે છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી જિલ્લામાં નશીલા પદાર્થનું વેચાણ વધી રહ્યું છે. તેમ છતાં અત્યારસુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકો ભારે રોષ જોવા મળી રહ્યો છે.