સેલવાસ : રવિવારનો દિવસ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દિવના ડોકટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ માટે યાદગાર દિવસ બન્યો હતો. આ દિવસે કોસ્ટગાર્ડ દ્વારા ચેતક હેલિકોપ્ટરથી સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલ, ગાયત્રી મંદિર ગ્રાઉન્ડ, ખાનવેલ હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરી હતી. એ જ રીતે દમણમાં મરવડ હોસ્પિટલ પર પણ ફુલવર્ષા કરી હતી.
સેલવાસ-દમણમાં કોરોના યોદ્ધાઓનું અભિવાદન, કોસ્ટગાર્ડના ચેતકમાંથી આકાશી પૂષ્પવૃષ્ટિ
કોરોના નામના શત્રુ સામે કોરોના વોરિયર્સ ઢાલ બનીને આપણું રક્ષણ કરી રહ્યા છે. આ કોરોના વોરિયર્સને બિરદાવવા માટે ભારતીય વાયુસેના, કોસ્ટગાર્ડ દ્વારા સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલ સહિત દમણની મરવડ હોસ્પિટલના ડોકટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ પર આકાશી પુષ્પવર્ષા કરી તેમની સેવાને બિરદાવી હતી.
આ પ્રસંગે કોરોનાની દહેશત વચ્ચે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા સેલવાસ નગરપાલિકાના કર્મયોગીઓને પણ આકાશીમાંથી પુષ્પ પાંખડી વરસાવી પ્રોત્સાહિત કરાયા હતા. લોકડાઉનની સ્થિતિ વચ્ચે પરિવારની ચિંતા કર્યા વિના રાતદિવસ સેવા બજાવતા પાલિકાના કર્મયોગીઓ એવા “કોરોના” યોદ્ધાઓની સેવાની કદરરૂપે તેમના પર પણ પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
દમણ કોસ્ટગાર્ડના ચેતક હેલિકોપ્ટરથી પ્રદેશમાં કરોના સામે લડતા પ્રથમ હરોળના મેડિકલ સ્ટાફ, નર્સિંગ ,પેરામેડિકલ કર્મચારીઓનું અભિવાદન સાથે નવો જુસ્સો અને જોશ પૂરવાની કામગીરી કરી હતી. આ પ્રસંગે સેલવાસ હોસ્પિટલના તબીબે તમામનો આભાર માની આગામી દિવસોમાં પણ કોરોના સામેની લડતમાં વધુને વધુ લોકોને મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરી હતી.