સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલા ગ્રામીણ વન વિસ્તારમાં 4 ઓગસ્ટની રાત્રે ભારે વરસાદ અને ભારે પવનને કારણે લોકોના મકાનો ધરાશાયી થઈ ગયા હતા. તેમજ મકાનોનો સામાન અને અનાજ બધુ જ પાણીના ડૂબી જવાથી નષ્ટ થયું હતું.
દાદરા નગર હવેલીમાં વરસાદે વેરેલી તારાજી બાદ પ્રશાસન સાથે ભાજપે પૂરપીડિતોને રાશન સામગ્રી આપી
ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલે દાદરા નગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં બે પંચાયતો ખેરડી અને આંબોલી ગામોની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ભાજપ કાર્યકરો દ્વારા આ અસરગ્રસ્ત લોકોને રાશન સામગ્રી પુરી પાડી આગામી દિવસોમાં પાકા મકાનો અને મૂળભૂત સુવિધાઓ મળી રહે તે માટેનો આશ્વાસન આપ્યું હતું.
ભાજપે પૂરપીડિતોને રાશન સામગ્રી આપી
પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલે આ અંગે ભાજપ યુવા મોરચાને પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડવા સૂચના આપી હતી અને તે સાથે જ વહીવટતંત્ર સાથે જરૂરી સંકલન સાધી પીડિતોને ઝડપથી સહાય માટે પ્રયાસો કર્યા હતા. ભાજપની ટીમ સાથે સેલવાસના વહીવટીતંત્ર તરફથી બ્રિજેશ ભંડારીની ઉપસ્થિતિમાં પીડિતોને રાશન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.