ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના છેવાડાના ગામો સિંચાઈના પાણીથી વંચિત

રાજ્યમાં નર્મદા ડેમ (Narmada dam) બનવાથી ખેડૂતો ખુશહાલ થશે, સિંચાઈ માટે પાણીની તંગી નહિ રહે તેવા અનેક રાજકીય વાયદાઓ ખેડૂતોએ સાંભળ્યા હશે. જોકે નક્કર વાસ્તવિકતા એ છે કે, હજુ પણ નર્મદા કેનાલ (Narmada Canal)ના કમાંડ વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈ માટે વલખા મારવા પડતા હોય છે. આવી જ સ્થિતિ મોરબી જિલ્લાના માળિયા તાલુકાની જોવા મળે છે. માળિયા તાલુકામાંથી નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ (Branch canal) પસાર થાય છે. જોકે તાલુકાના છેવાડાના ગામોમાં પાણી પહોંચતું ન હોય તેવી સતત ફરિયાદો ઉઠી રહી છે. માળિયા તાલુકાના છેવાડાના 8થી 10 ગામોમાં કેનાલ (canal)ની સુવિધા હોવા છતાં કેમ દર વર્ષે સિંચાઈ માટે ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે.

Maliya News
Maliya News

By

Published : Jun 13, 2021, 5:18 PM IST

  • માળિયા તાલુકાના છેવાડાના ગામો સિંચાઈના પાણીથી વંચિત
  • 15 જેટલા ગામોમાં 50 હજાર વિધામાં કપાસનું વાવેતર
  • સિંચાઈના પાણીના અભાવે નુકસાન થવાની ભીતિ

મોરબી : માળિયા તાલુકાના છેવાડાના ગામો જેવા કે સુલતાનપુર, માણાબા, ચીખલી, વિશાલનગર, વાધરવા, ખીરઈ, ખાખરેચી અને કુંભારિયા સહિતના છેવાડાના ગામો સુધી પાણી પહોચતું જ નથી. સુલતાનપુર ગામના ખેડૂત આગેવાન જણાવે છે કે, ઢાંકીથી ખીરઈ સુધી 136 કિમી જેટલું અંતર છે. તાલુકાના છેવાડાના 15 જેટલા ગામોએ 50 હજાર વીઘામાં કપાસનું વાવેતર કર્યું છે. 1500 રૂપિયા પ્રતિ વીઘાએ વાવેતર ખર્ચ થતો હોય છે અને ખેડૂતોએ પહેલું પાણ આપ્યું છે.

માળિયા તાલુકાના છેવાડાના ગામો સિંચાઈના પાણીથી વંચિત

બીજું પાણી આપવાના સમયે પાણી બંધ

હવે બીજું પાણી આપવાનો સમય છે, ત્યારે પાણી બંધ છે અને પાણી પહોંચતું નથી. જેથી ખેડૂતોનો કપાસનો પાક નિષ્ફળ જશે તો સુલતાનપુર ગામના ખેડૂત જણાવે છે કે, તેને 30 વીઘા જમીન છે. જેમાં 20 વીઘામાં કપાસ વાવ્યો છે, જેને બીજું પાણી આપવાના સમયે પાણી નથી. તો હવે ખેડૂત શું કરે વાવેતર ખર્ચ પણ તેને માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો : છોટાઉદેપુરમાં સુખી સિંચાઈ ડેમની કેનાલમાંથી પાણી લીકેજ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

તંત્ર આ વર્ષે પણ આંદોલન બાદ જ જાગશે

માળિયા તાલુકામાં આવેલી નર્મદા બ્રાન્ચ કેનાલ (Branch canal)થી 15 હજાર જેટલા ખેડૂતોને લાભ મળે છે, પરંતુ ઉનાળામાં જયારે પાણી જરૂર ન હતી, ત્યારે કેનાલ જતી હતી અને હવે ખેડૂતે કપાસ વાવ્યો છે અને પાણી પાવાનો સમય છે તો પાણી પહોંચતું નથી. ખેડૂતોએ કપાસ અને મગફળી વાવેતર કર્યું છે, જેમાં કપાસમાં 1500 અને મગફળીમાં 3000 રૂપિયા પ્રતિ વીઘે ખર્ચ થતો હોય છે. ધ્રાંગધ્રા-હળવદ કેનાલ પર પહેરો ગોઠવાય તો જ માળિયા તાલુકાના છેવાડાના ગામો સુધી પહોંચી પહોંચશે, જ્યારે અન્ય એક ખેડૂત આક્રોશપૂર્ણ રીતે જણાવે છે કે દર વર્ષે આંદોલન કરીએ તો જ પાણી મળે છે અને ખેડૂતો આંદોલન કરે બાદમાં જ તંત્ર પગલા ભરતું હોય છે તેમ જણાવ્યું છે. જેથી આ વર્ષે પણ આંદોલન બાદ જ તંત્ર જાગશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ખેડામાં સિંચાઈ માટે તળાવમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આવેદન પત્ર આપ્યું

સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

આમ માળિયા તાલુકામાંથી નર્મદાની બ્રાન્ચ કેનાલ (Branch canal) પસાર થતી હોવા છતાં દર વર્ષે ખેડૂતોને પાણી માટે પરેશાની ભોગવવી પડતી હોય છે. માળિયા તાલુકાના છેવાડે આવેલા 8થી 10 ગામો સુધી પુરતું પાણી પહોંચતું નથી. જેથી ખેડૂતોને કેનાલ હોવા છતાં પણ નુકસાની સહન કરવાનો વારો આવે છે. સિંચાઈ માટે પુરતું પાણી મળતું ન હોવાથી પાક નિષ્ફળ જતો હોય છે અને ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ જતા હોય છે, ત્યારે માળિયા તાલુકાના છેવાડાના ગામો સુધી પુરતું પાણી પહોંચે તે માટે તંત્ર અને નર્મદા નિગમના અધિકારીઓ સંવેદનશીલ બને તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details