મોરબીઃ જિલ્લા ક્લેક્ટર સમક્ષ તેઓનું જણાવવું છે કે હાલની સ્થિતિને પગલે સરકારે અવિચારી રીતે ફી નહીં લેવાના પરિપત્રને લીધે મુશ્કેલીઓ વધી છે. સરકાર અને વાલીઓની હાલની સ્થિતિમાં ૧૫ લાખ શિક્ષકો બેરોજગાર થયાં છે. સરકારે કરોડો રૂપિયાના પેકેજ જાહેર કર્યા છે જેમાં ખેડૂતો, ઉદ્યોગ, નાના વ્યવસાયો માટે રાહત પેકેજ અપાય છે તો ખાનગી શાળાના શિક્ષકો શા માટે પેકેજથી બાકાત છે તેવા સવાલ પૂછ્યાં છે.
મોરબી: ખાનગી શાળાના શિક્ષકોએ કરી રાહત પેકેજની માગ, આંદોલનની પણ ચીમકી
સ્વનિર્ભર શાળા શિક્ષક મંડળ મોરબીએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે કે સરકારે તા. ૨૨ ના રોજ જે નિર્ણય લીધો છે તેથી સ્કૂલ ફી વિવાદ અંત આવશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. રાજ્યમાં 15 લાખ કરતા વધુ શિક્ષકો પ્રાઈવેટ શાળામાં શૈક્ષણિક કાર્ય કરી રહ્યાં છે. લાયકાત ધરાવનાર શિક્ષકોને સરકારી નોકરી ન મળતાં ખાનગી શાળામાં નોકરી કરીને પરિવારનું ભરણપોષણ કરી રહ્યાં છે.
સરકાર, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશન અને વાલીમંડળ વચ્ચે ઘણા સમયથી ચાલતી ફીના વિવાદ સામે સરકાર તરફથી નો સ્કૂલ નો ફી નો ચૂકાદો આપેલ છે અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસો. દ્વારા સ્કૂલ બંધનું આંદોલન ચાલુ છે ત્યારે ખાનગી શાળાના પંદર લાખથી વધુ શિક્ષકો અને તેના પરિવાર માટે પણ સરકાર જવાબદાર છે જેથી સમાજનું ઘડતર કરતાં, વિદ્યાર્થીઓમાં જીવનપ્રાણ પૂરીને ભારતના શ્રેષ્ઠ નાગરિકોની સમાજને ભેટ આપતાં શિક્ષકોની નાણાકીય જરૂરિયાત સમજીને આર્થિક પેકેજ જાહેર કરે તેવી માગ કરી છે. અને યોગ્ય નિરાકરણ નહીં કરાય તો ગાંધીચીંધ્યા માર્ગે ધરણા કે દેખાવ કરવા પડશે અને આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.