મોરબી: શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળા ઇતિહાસ તરીકે ઓળખાતી મરછુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા. તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ થયો હતો. 41 વર્ષ વીતી ગયા હોવા છતા પણ લોકો હોનારતની તારીખ આવતા જૂની યાદો તાજી થાય છે. આંખોમાંથી ચોધાર આસું વહે છે.
મોરબી જળ હોનારતને 41 વર્ષ પૂર્ણ, જુઓ 11 સભ્યો તાણાયા હતાં એ પ્રજાપતિ પરિવારની આપવીતી
11 ઓગસ્ટ, 1979નો એ ગોઝારો દિવસ જ્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ અવિરત વરસી રહેલા વરસાદને કારણે તૂટ્યો હતો અને તારાજી સર્જી હતી. આ ભયાનક દ્રશ્યોને યાદ કરીને મોરબીવાસીઓ આજે પણ થરથર કાંપવા લાગે છે.
હસતું ખેલતું અને આબાદ મોરબી 2 કલાકમાં સ્મશાનભૂમિમાં ફેરવાઈ ગયું હતું. આજે પણ આ દિવસને યાદ કરીને આપ્તજનો ગુમાવનાર લોકો ચોધાર આંસુએ રડી પડે છે. આજના દિવસને કોઈ યાદ કરવા માંગતું નથી, પરંતુ દર વર્ષે હોનારતનો દિવસ આવે ત્યારે ગુમાવેલા સ્વજનોની યાદ આંખોને છલકાવી નાખે છે. આવો જ કિસ્સો મોરબીના લીલાપર રોડ પરનો છે. જ્યાં વસતા પ્રજાપતિ પરિવારના 11 સભ્યો ધસમસતા પાણીના પ્રવાહમાં હોમાઈ ગયા હતાં.
આ બનાવ અંગે વલ્લભભાઈ પ્રજાપતિ જણાવે છે કે, એ કાળમુખા દિવસને અમારો પરિવાર ક્યારેય ભૂલી નહીં શકે. પરિવાર લીલાપર રોડ પર રહેતો હતો અને પાણીના પ્રવાહ વધતા ઓફિસમાં બેઠા હતા, ત્યારે ધસમસતા પ્રવાહે પરિવારના 9 સભ્યો અને રજામાં ફરવા આવેલા ત્રણ ભાણેજા સહીત 11 લોકો તણાઈ ગયા હતા. પરિવારની એક માત્ર દીકરી જ બચી ગઈ હતી. જળ હોનારતનો એ દિવસ આજે પણ અમે ભૂલી શક્યા નથી. પરિવારના સદસ્યોને ગુમાવનાર આ પરિવાર એ ગોઝારા દિવસને યાદ કરીને રડી પડે છે.