ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની શ્રીમતી એસપી આહીર વિદ્યાલયે 3 માસની ફી માફ કરી

કહેવાય છે ને કે વિદ્યાનું દાન સૌથી મોટું દાન છે જો કે, આજના આધુનિક યુગમાં શિક્ષણનો વેપલો ચાલતો હોય તેવું જોવા મળે છે. હાલ કોરોના મહામારીમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા વાલીઓ પાસે ખાનગી શાળા સંચાલકો ફીની ઉઘરાણી કરતા અને વાલીઓન પરેશાન કરતા હોય તેવી અનેક ફરિયાદો સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. જો કે, શિક્ષણનો વેપાર કરવાને બદલે શિક્ષાનું દાન કરવાનું કોઈને ભલે સૂઝતું ન હોય પરંતુ મોરબીના એક શાળા સંચાલકે ફી માફી માટેનો અદભુત નિર્ણય કરી બતાવ્યો છે. એટલું જ નહીં શાળાના શિક્ષકોએ પણ ત્રણ માસની ફી માફીમાં સહમતી દર્શાવી પગાર નહીં લેવા તૈયાર થયા છે. ત્યારે આવો જોઈએ શિક્ષણને સાચા અર્થમાં ચરિતાર્થ કરતી મોરબીની ખાનગી શાળાનો વિશેષ અહેવાલ...

શ્રીમતી એસપી આહીર
શ્રીમતી એસપી આહીર

By

Published : Jun 17, 2020, 9:30 PM IST

મોરબીઃ શહેરના રણછોડનગરમાં આવેલી શ્રીમતી એસપી આહીર વિદ્યાલયમાં ધોરણ 1થી 8માં 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો કે, કોરોના મહામારીને પગલે નબળા પરિવારોની આર્થિક સ્થિતિ સારી નથી. જેથી કેટલાક વાલીઓ શાળા સંચાલકને મળ્યા હતા અને હાલ તેઓ ફી ભરી શકવા સક્ષમ ન હોય જેથી બાળકનું લીવિંગ સર્ટીફીકેટ કાઢી આપો અને બાદમાં જ્યારે સગવડ થશે ત્યારે શાળામાં બાળકને ફરી શિક્ષણ આપવા દાખલ કરશે તેમ જણાવતા શાળા સંચાલક પરબતભાઈ આહીર વિચારમાં પડ્યા હતા અને કોરોના મહામારી વચ્ચે વાલીઓની મનોસ્થિતિની ગંભીરતા સમજતા તેઓએ ત્રણ માસની ફી માફી કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે શાળાના સ્ટાફ સાથે પરામર્શ કરતા સ્ટાફે પણ ત્રણ માસની ફી માફીમાં સહમતી દર્શાવી સ્ટાફ પગાર નહીં લે અને શિક્ષણ કાર્ય ચાલુ રાખશે તેવી તૈયારી દર્શાવી હતી.

મોરબીની શ્રીમતી એસપી આહીર વિદ્યાલયે 3 માસની ફી માફ કરી

શાળાના ટ્રસ્ટીએ ભલે ફી માફીનો નિર્ણય લેવાનું નક્કી કર્યું હોય પરંતુ સ્ટાફના સહકાર વિના તે શક્ય ન હતું કારણ કે, જો બાળકો પાસેથી ફી ન લેવામાં આવે તો સ્વાભાવિક છે કે, શાળા સ્ટાફને પગાર ચૂકવી શકે નહી.

આ અંગે શાળાના શિક્ષક ભારતીબેન ચાવડા જણાવે છે કે, તેઓ 5 વર્ષથી શાળા સાથે જોડાયેલા છે. ટ્રસ્ટીએ ત્રણ માસની ફી માફીનો નિર્ણય અંગે સ્ટાફને વાત કરતા સ્ટાફે પણ પગાર ન લેવાની તૈયારી દર્શાવી છે. એવું નથી કે શાળાનો બધો સ્ટાફ આર્થિક રીતે સદ્ધર છે અનેક જરૂરિયાતમંદ છે. છતાં બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ફી માફીમાં સહમતી આપી પોતાનો પગાર જતો કરવાની તૈયારી દર્શાવી છે. તો શાળાના આચાર્ય આશાબેન વ્યાસ જણાવે છે કે, ફી માફીથી વાલીઓને ઘણી રાહત મળશે. બાળકોના ભવિષ્યનો વિચાર કરીને શાળાના ટ્રસ્ટીના નિર્ણયને દરકે સ્ટાફે વધાવ્યો હતો અને ત્રણ માસની ફી ના લેતા સ્ટાફ પણ ત્રણ માસનો પગાર નહીં લે જેનાથી થોડી મુશ્કેલી આવશે પરંતુ બાળકોના ભવિષ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ હોય ત્યારે નવા સત્રમાં શાળાની ફી ભરવાની પરેશાની દરેક વાલીઓમાં જોવા મળતી હતી. જો કે, શાળાએ ત્રણ માસની ફી માફી માટે નિર્ણય કરીને વાલીઓને મોટી રાહત આપી છે. જે નિર્ણય લઈને બુધવારે શાળાના ટ્રસ્ટી અને સ્ટાફ ઉપરાંત વાલીઓને આ માહિતીથી અવગત કરવા ખાસ બોલાવ્યા હતા. જે પ્રસંગે DPO મયુર પારેખ, TPO શર્મિલાબેન હુંબલ અને જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે DPO મયુર પારેખે જણાવ્યું હતું કે, શાળા સંચાલકે લીધેલો નિર્ણય આવકારદાયક છે અને અન્ય શાળા સંચાલકો પણ આવી પહેલ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

આમ એક તરફ જયારે વાલીઓ ફી માફી માટે સરકાર તરફ અરજ કરે છે. ત્યારે મોરબીની શાળાએ સામેથી જ ફી માફીની પહેલ કરી છે, એટલું જ નહબ શાળાના સમર્પિત સ્ટાફે પણ પોતાનો પગાર જતો કરીને બાળકોના ભવિષ્યનો વિચાર કર્યો હે તેમજ શાળાના ટ્રસ્ટી પરબતભાઈ આહિરે એક ડગલું આગળ વધીને જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સરકાર વિદ્યાર્થીઓના ભણતરની ચિંતા કરતી હોય તો અમારી પણ ફરજ છે. તેમજ જો સરકાર શાળાના કર્મચારીઓના પગારનો ભાર ઉઠાવે તો આખું વર્ષ વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ આપવા પણ તેઓ તૈયાર હોવાનું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details