મોરબીઃ જિલ્લામાં 30 મિનરલ્સના કારખાના આવેલ છે અને સિરામિકના 1200 જેટલા યુનિટો છે. સિરામિકમાં વપરાતુ રો મટીરીયલ રાજસ્થાનથી આવતું જતું હતું, જે રાજસ્થાન સરકારે દોઢ વર્ષ પહેલા ચિપ્સ, ગીટી, ગઠ્ઠા અને ગ્રીન્સની સ્પલાઇ ઉપર બ્રેક લગાવી હતી. તેની સીધી અસર સિરામિક ટાઈલ્સ ઉદ્યોગને થઇ હતી કારણ કે, રાજસ્થાની મટીરીયલ્સનો ટાઈલ્સના ઉત્પાદનમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. જેથી રાજસ્થાનથી પહેલાની જેમ જ રો-મટીરીયલ્સ આવવાનું શરુ થઇ જાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને રાજસ્થાન સરકારે ચિપ્સ, ગીટી અને ગ્રીન્સની સપ્લાઈ ઉપર મુકેલા પ્રતિબંધને હટાવવા માટે રાજસ્થાન હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવમાં આવી હતી. જેમાં લાંબી લડાઇ પછી મોરબીના સિરામિક અને મિનરલ્સના ઉધોગની તરફેણમાં ચુકાદો આવ્યો છે. જો કે રાજસ્થાન હાઈકોર્ટે આપેલા ચુકાદાને ચાર મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં પણ રાજસ્થાન સરકારે હાઇકોર્ટના રીપોર્ટબલ ચુકાદાની પણ અમલવારી કરી નથી. તેમ મિનરલ્સ એસોના પ્રમુખ લલિત કામરીયાએ જણાવ્યું હતું.
મોરબી મિનરલ્સ એસોના પ્રમુખે જણાવ્યું કે, છેલ્લા 1.5 વર્ષથી રાજસ્થાન સરકાર સામે લડત લડી રહ્યા છીએ અને મોરબીનું 600 કરોડનું રોકાણ છે અને દર વર્ષે મોરબી સિરામિક 5500 કરોડનું એક્સપોર્ટ કરે છે, પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે રાજસ્થાન સરકાર ચીનની મદદ કરી રહી હોય તેવી લાગી રહ્યું છે અને વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર થવાની વાત કરવામાં આવે છે, પરંતુ આ રીતે આત્મનિર્ભર ન થઇ શકાય અને રાજસ્થાનથી રો મટીરીયલ બંધ થતા ફરી ચીનથી મગાવવાનો વારો આવ્યો છે અને મિનરલ્સ ઉધોગ 5000 જેટલા લોકોને રોજગારી આપે છે. તેનાથી સિરામિક ઉધોગ પણ ચાલે છે. જો કે અગામી દિવસોમાં રાજસ્થાન સરકાર મનમાની બંધ નહિ કરે તો સિરામિક ઉધોગને મોટો ફટકો પડશે.