7 હજાર ખેડૂતોને હજુ સુધી નથી મળ્યું પાકને નુકસાનનું વળતર મોરબી: ગત ચોમાસાની સીઝન દરમીયાન મોરબી માળિયા તાલુકામાં અતિવૃષ્ટિને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જેમને પાકનું નુકસાન થયું હોય તેના માટે નુકશાની અંગે સહાય યોજના જાહેર કરી હતી. જોકે મોરબી અને માળિયા તાલુકામાં હજુ પણ 7000 જેટલા ખેડૂતોને સહાય ચૂકવાઈ ના હોવાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
ખેડૂતોનો ઉભો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ: મોરબી માળિયા તાલુકામાં મગફળી, કપાસ જેવા પાકો લેવામાં આવે છે. ચોમાસાની સીઝન દરમિયાન આ બંને તાલુકામાં અતિવૃષ્ટિ પડી હોય અને ખેડૂતોનો ઉભો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હતો. જેથી સરપંચો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી અને બાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલેને રજૂઆત કર્યા બાદ સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.
7 હજાર ખેડૂતોને હજુ સુધી નથી મળ્યું વળતર: ખેતીવાડી વિભાગ દ્વારા ખેતરોના સર્વે કરી સહાય ચુકવણી શરુ કરવામાં આવી હતી પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે 22 હજાર ખેડૂતો સામે 15 હજાર જેટલા ખેડૂતોને સહાયની ચુકવણી કરવામાં આવી છે તો 7000 જેટલા ખેડૂતને સહાયની ચુકવણી બાકી હોવાની માહિતી ખેતીવાડી વિભાગના અધિકારી હસમુખ જીંજવાડિયા પાસેથી સામે આવી છે.
આ પણ વાંચો:Doubling of Farmers Income : પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ખેડૂતો, ડાયજેસ્ટર પ્લાન્ટ દ્વારા ઓર્ગેનિક ઉત્પાદનો કરાવે ડબલ ઇન્કમ
ખેડૂતો મુશ્કેલીમાં: આ મામલે ખેડૂતોએ જણાવ્યું હતું કે ચોમાસાની સીઝન દરમીયાન અતિવૃષ્ટિથી તેમના પાકને ભારે નુકસાન થયું હતું. પરંતુ આજ દિવસ તેમને સહાયની રકમ મળી નથી. સરકાર પાસે તેમણે તાત્કાલિક સહાયની રકમ આપવા રજૂઆત કરી હતી. રવિ સીઝન ચાલી રહી છે ત્યારે હાલ ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવામાં ના આવતા ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે તો રવિ સીઝનમાં વાવણી માટે પણ મુશ્કેલી પડતી હોવાની માહિતી મોરબી માળિયા તાલુકાના ખેડૂતોએ આપી રહી હતી.
આ પણ વાંચો:Colored cauliflower Farming : રંગબેરંગી ફ્લાવર રોગોથી બચાવશે, ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકશે
થોડો વિલંબ પરંતુ સહાય ચૂકવી દેવામાં આવી છે:આ મામલે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના પાકને જે નુકસાન થયું હતું. તેમનો સર્વે કરવામાં આવ્યો હતો. અને રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા સહાય આપી દેવામાં આવી છે. ગ્રાન્ટ થોડી મોડી આવી હોવાથી થોડો વિલંબ થયો હોવાની શક્યતા છે પરંતુ હવે ગ્રાન્ટ મળી ગઈ છે અને સહાય પણ ચૂકવી દેવામાં આવી છે.