મોરબી : રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આત્મ નિર્ભર ગુજરાત અંતર્ગત સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના હેઠળ પ્રાકૃતિક કૃષિની બે યોજનાનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબીમાં ટાઉનહોલ ખાતે હળવદ વિસ્તારના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાઓનો શુભારંભ તેમજ લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાએ પ્રસંગચિત્ત ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના ઉત્થાન કરવું એ રાજ્ય સરકારનું પ્રથમ કર્તવ્ય છે ત્યારે ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે તે સમયની માગ છે. પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચે વધુ નફાકારક હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતીથી ખેતીની જમીન સોના જેવી થશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મોરબી-માળીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય બ્રીજેશ મેરજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે રાજ્ય સરકાર દ્વારા જગતના તાતને વધુ બે ભેંટ આપવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. ખેતીને દેશની કરોડરજ્જૂ કહી પ્રાકૃતિક ખેતી કરવા બદલ સન્માનિત થયેલા ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.મોરબી-માળીયા વિસ્તારમાં સિંચાઇ દ્વારા ખેતર સુધી પાણી પહોંચાડવા બદલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે. ચૌહાણે મંચસ્થ મહાનુભવોનું સ્વાગત કરી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે લોન્ચ થયેલ યોજનાઓ અંગે માહિતી આપી હતી. કૃષિ વૈજ્ઞાનિક દિલીપ સરડવા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ખેડૂતોને પ્રાકૃતિક તેમજ ગાય આધારિત ખેતી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરી ખેડૂતોને પ્રાકૃતિક તેમજ ગાય આધારિત ખેતી તરફ પાછા વળવા અપીલ કરી હતી.દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાયના નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના અંતર્ગત દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ રૂપિયા 900ની સહાય કરવામાં આવશે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા કૃષિ કીટમાં ૭૫ ટકા સહાય યોજના હેઠળ દેશી ગાયના છાણ-ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કીટ માટે રૂપિયા 1248 પ્રતિ કીટ સહાય આપવામાં આવે છે.યોજનાના પ્રારંભે મોરબીમાં 30 જેટલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.