મોરબી શહેરમાં ટ્રાફિક સિગ્નલ મુકવાની પાલિકા સમક્ષ રજૂઆત - Gujarati News
મોરબીઃ ઓદ્યોગિક નગરી મોરબીમાં વધતી વાહનોની સંખ્યા સાથે ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ નાગરિકોની સુખાકારી માટે તેમજ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે શહેરમાં ટ્રાફિક સીગ્નલો મુકવાની માંગ કરવામાં આવી છે.
મોરબી શહેર ઉદ્યોગોને પગલે જેટ ગતિએ વિકસી રહ્યું છે અને શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે. જેથી ટ્રાફિક પોલીસ પર કામનું ભારણ વધી રહ્યું છે, જેને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી મોરબી શહેરના પ્રમુખ પરેશભાઈ પારીઆ સહિતના આગેવાનોએ જિલ્લા એસપી સાથે ટ્રાફિક અને ચર્ચા કરી હતી અને સીગ્નલ મુકવાની માંગ કરી હતી, તેમજ મોરબી નગરપાલિકાને પણ સાથે જોડવુ જરૂરી હોય. જેથી નગરપાલિકા તંત્રને આવેદન પાઠવીને શહેરમાં ચાર રસ્તાઓ પર સીગ્નલ મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
મોરબીમાં સીરામીક, ઘડિયાળ સહિતના ઉદ્યોગોના વિકાસને પગલે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે, તેમજ માલવાહક વાહનોની અવરજવરથી સતત ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ત્યારે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક સીગ્નલ મુકવા આવશ્યક હોવાનુ પણ રજૂઆતમાં જણાવ્યું હતુ.