મોરબી: જિલ્લામાં જ્યારે પણ ભારે વરસાદ પડે ત્યારે ઘણા ગામોની અંદર ખેતીના પાકની સાથે અન્ય નુકસાન પણ થતું હોય છે, પરંતુ ટંકારા તાલુકાનું મેઘપર ઝાલા ગામ દર વર્ષે ચોમાસામાં લગભગ મોટાભાગના દિવસો જ્યારે ભારે વરસાદ પડે ત્યારે સંપર્ક વિહોણુ થઈ જાય છે.
આ ગામની અંદરથી લોકો બહાર નીકળી શકતા નથી. તેમજ બહાર ગયેલા લોકો પોતાના ઘરે પોતાના ગામમાં જઈ શકતા નથી, ત્યારે ગામની અંદર કોઈપણ મેડિકલ કેસ અથવા તો સગર્ભા મહિલાને જો હોસ્પિટલ પહોંચાડવી હોય તો પણ ગામના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે કોઝવે ઉપર સામાન્ય રીતે ચારથી પાંચ ફૂટ જેટલું પાણી આવી જતું હોય છે.