મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી કોંગો ફીવરના કેસ અંગે મળતી સતાવાર માહિતી મુજબ, 2 દિવસ પહેલા હળવદ માળીયા હાઇવે પર આવેલ આસ્થા ટેકનોપ્લાસ્ટ કરખાનમાં કામ કરતા 3 મજૂરોને કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો દેખાતા ત્રણેયને તાકીદે અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા.
કોંગો ફિવરનો કહેર, મોરબીમાં નોંધાયા 2 પોઝિટિવ કેસ, આરોગ્ય તંત્ર હરકતમાં
મોરબી: હળવદ નજીક 2 દિવસ પહેલા કોંગો ફીવરના 3 શંકાસ્પદ કેસો નોંધાયા હતા. જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હળવદમાં 2 કોંગો ફિવરના કેસો નોંધાતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આરોગ્ય તંત્રએ હળવદ દોડી જઈને અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન કામગીરી હાથ ધરી છે.
મોરબીના આરોગ્ય તંત્રએ આ ત્રણેય દર્દીઓના રિપોર્ટ પુના ખાતે મોકલ્યા હતા. જેમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ અને 1 નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. જો કે આ ત્રણેય દર્દીઓ અમદાવાદમાં સારવાર હેઠળ છે અને સ્વસ્થ હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું.
2 દર્દીઓને કોંગો ફીવરના પોઝિટિવ રિપોર્ટ આવતા મોરબી જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.જે. એમ. કતીરા તથા સી.એલ વારેવડીયા તેમની મેડિકલ ટીમ સાથે હળવદના અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી જઈને તપાસ હાથ ધરી હતી.