નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા સિરામિક એકમોમાં વપરાતા તમામ પ્રકારના કોલગેસ પ્રતિબંધનો ચુકાદો ફરમાવી દેવામાં આવ્યો છે, ત્યારે સિરામિક એસોસિયેશનએ પણ કોલગેસ પ્રતિબંધની અમલવારીમાં સહકારની પ્રતિબદ્ધતા દાખવીને તમામ સિરામિક એકમોએ કોલગેસ વાપરવાનું બંધ કર્યું છે. GPCB ટીમે કરેલા ચેકિંગમાં પણ તમામ કોલગેસ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. કોલગેસ પ્રતિબંધ બાદ સિરામિક એકમો ફરજીયાતપણે ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસ તરફ વળ્યા હતા. પરંતુ સિરામિક એકમનું દુર્ભાગ્ય કે ગેસનો વપરાશ તાત્કાલિક ધોરણે વધી જતા પીપળી રોડ પર એક કે બે નહિ પરંતુ ૨૦ થી ૨૫ એકમોમાં પ્રેશર ડ્રોપ થયું હતું.
સિરામિક ઉદ્યોગના નેચરલ ગેસમાં પ્રેશર ડ્રોપથી થયું કરોડોનું નુકસાન
મોરબી: શહેરમાં આવેલા સિરામિક ઉદ્યોગો પર પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. કોલગેસ પ્રતિબંધનો ફટકો સહન કર્યા બાદ સિરામિક એકમો નેચરલ ગેસ તરફ વળ્યા છે. જોકે 6 એપ્રિલની રાત્રે પીપળી રોડ પરના યુનિટોમાં પ્રેશર ડ્રોપની સમસ્યા સર્જાઈ હતી. જેને કારણે સિરામિક યુનિટોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પ્રેશર ડ્રોપના કારણે સિરામિક એકમોની કિલનમાંથી તૈયાર થતો ટાઈલ્સનો માલ ખરાબ થયો હતો. દરેક સિરામિક એકમોને લાખોના નુકશાની સાથે કુલ કરોડોની નુકશાની એક જ રાત્રીના સહન કરવી પડી હતી. તેમજ કોઈપણ વાંક વિના કરોડોની નુકશાની સહન કરવાનો વારો આવતા સિરામિક એકમોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પ્રેશર ડ્રોપની સમસ્યા જો આગામી દિવસોમાં પણ રહે તો વધુ એકમોને નુકશાની સહન કરવી પડે તેમ છે. પ્રેશર ડ્રોપની સમસ્યા અંગે મોરબી વિટ્રીફાઈડ ટાઈલ્સ એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાનો સંપર્ક કરતા તેને વાતનો સ્વીકાર કરીને નુકશાની થઇ હોવાનો એકરાર કર્યો હતો.