મોરબી પંથક અને જિલ્લામાં ગત મેં માસમાં શ્વાનોનો આતંક જોવા મળ્યો હતો. હડકાયા કુતરાનો શિકાર બનેલા અનેક બાળકો, નાગરિકો સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને છેલ્લા 1 માસમાં ઘણા બધા કેસો નોંધાયા હતા તો બીજી તરફ મોરબીની સિવિલ હોસ્પિટલમાં કાયમીના ધોરણે શ્વાનો અડ્ડો જમાવીને બેસતા હોય છે.
મોરબીમાં શ્વાનોના આતંક વચ્ચે સિવિલ હોસ્પીટલમાં કાયમી શ્વાનોના અડ્ડા
મોરબીઃ મોરબીમાં જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ ના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે અનેક અસુવિધાઓ માટે પંકાયેલી સિવિલ હોસ્પિટલમાં અગવડોની ભરમાર જોવા મળી રહ્યો છે તો હોસ્પિટલમાં શ્વાનો પણ અડ્ડો જમાવીને બેસતા હોય છે જેને રોકવા માટે તંત્ર બેદરકારી દાખવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.
ઈમરજન્સી વોર્ડમાં તેમજ હોસ્પિટલમાં ગમે ત્યાં શ્વાનો અડ્ડો જમાવીને આરામ ફરમાવતા જોવા મળે છે જોકે શ્વાનોને હોસ્પિટલમાં આવતા રોકવા કે હોસ્પિટલમાંથી કાઢવા માટે ક્યારેય હોસ્પિટલ તંત્ર પરસેવો પાડતું નથી જેથી હોસ્પિટલ સારવાર માટે આવતા દર્દીઓ હમેશા શ્વાનોથી ડર અનુભવતા હોય છે અને એક તરફ જ્યાં શ્વાનોના આતંકનો ભોગ બનેલા નાગરિકો ઇન્જેક્શન માટે આવતા હોય.
ત્યારે હોસ્પિટલમાં જ શ્વાનોને જોઇને ગભરાઈ જતા હોય છે.પરંતુ હોસ્પિટલના સ્ટાફથી લઈને અધિક્ષક સુધી કોઈ પાસે આવો વિચાર કરવાનો કે દર્દીની મુશ્કેલી સમજવાનો સમય ના હોય તેવું લાગી રહ્યું છે કાયમી શ્વાનો અડ્ડો જમાવીને હોસ્પિટલમાં આરામ ફરમાવતા હોય છે તે દ્રશ્યો જોઇને હોસ્પિટલ તંત્રને ક્યારે શરમ આવશે તેવા સવાલો પણ નાગરિકો ઉઠાવી રહયા છે.