મોરબીઃ જિલ્લાના મકનસર ગામની બેન્ક પાસે બુધવારે લોકોના ટોળા વળ્યા હતા અને લૉકડાઉન જેવું કશું જોવા મળ્યું ન હતું. જે અંગે જાણ થતાં તાલુકા પોલીસ ટીમ દોડી પહોંચી હતી અને લોકોને સલામત અંતર રાખવા માટેની સુચના આપી હતી.
મોરબી અને મકનસર ગામે બેન્ક બહાર લોકોના ટોળાએ લૉકડાઉનની ઉડાવી મજાક
કોરોના વાઇરસની મહામારીથી બચવા માટે દેશ સહિત રાજ્યમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મોરબીમાં બેન્કની બહાર લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઇને લૉકડાઉનની મજાક કરતા જોવા મળ્યા હતા.
કોરોના લૉકડાઉન અમલી છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓ અને દવા તેમજ બેન્કની સેવાઓ ચાલુ છે. ત્યારે બુધવારે મોરબીના મકનસર ગામની બેન્ક ઓફ બરોડા બહાર લોકોની ભીડ જામી હતી એટલું જ નહીં પરંતુ લાઈનમાં પણ સલામત અંતર જાળવવામાં આવ્યું ન હતું અને લૉકડાઉનના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. તો આવી જ સ્થિતિ મોરબીની બેન્ક બહાર જોવા મળી હતી.
સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલી SBI બેન્કમાં પણ લાઈનો જોવા મળી હતી, જ્યાં પણ સલામત અંતર જાળવવામાં આવ્યું ના હતું અને બેન્કના તંત્રની બેદરકારી જોવા મળી હતી. જે બાદમાં કલેકટરને જાણ થતા તેને સંબધિત અધિકારીને સોશિયલ ડિસ્ટનસ જળવાઈ રહે તે માટે સુચના આપી હતી અને બેન્કમાં તેનું પાલન કરવામાં આવી રહ્યું છે.