મોરબીઃ 74મા આઝાદી પર્વની ઉજવણી દેશભરમાં ઉત્સાહભેર કરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં જિલ્લા કક્ષાની ઉજવણી કલેકટર જે. બી. પટેલના હસ્તે મોરબીના પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
મોરબીમાં 74મા આઝાદી પર્વની ઉજવણી, કોરોના વોરિયર્સનું કરાયું સન્માન
દેશભરમાં 74મા આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબીમાં જિલ્લા કક્ષાએ આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મોરબી જિલ્લા કલેક્ટરે પ્રજા જોગ સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં અધિક કલેકટર કેતન જોશી, જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કાન્તિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ભાજપ અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા, પાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતી પટેલ રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. જેથી તમામે માસ્ક પહેર્યું હતું અને સોશિયલ ડિસ્ટસિંગના નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. તેમજ કોરોના સામેની જંગમાં વિવિધ વિભાગના ઉત્તમ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર જે. બી પટેલે જણાવ્યું હતું કે, પહેલા દેશ અંગ્રેજો સામેની લડાઈ લડીને આઝાદ થયો હતો અને હવે કોરોના સામે પણ ભારત જંગ જીતશે તેવો વિશ્વાસ છે.