મહેસાણાઃ જિલ્લાના વિસનગર શહેરમાં આવેલી માયાબજાર વિસ્તારના દ્રશ્યો પોતે જ અહીં સામાજિક અંતરનું પાલન ન થતું હોવાનું પુરવાર કરી રહ્યા છે. ત્યારે સવાલ થાય કે શું આ બાબત વિસનગર પાલિકા અને મામલતદાર સહિત પ્રાંતઅધિકારી ધ્યાને નહિ આવી હોય અથવા તો શું કોરોનાને સામાન્ય બાબત સમજી વિસનગર શહેર પોલીસ પણ લોકડાઉનના નિયમોનું પાલન કરાવવાથી અળગી રહી છે. આવા અનેક સવાલો વચ્ચે મહેસાણા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહી.
વિસનગરમાં તંત્રની બેદરકારીના કારણે સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા
તાજેતરમાં મહેસાણા જિલ્લામાં નવા 21 કોરોના પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધીમાં કુલ 32 કેસો આરોગ્ય કચેરીએમાં નોધાયા છે. જો કે હજુ પણ મહેસાણામાં જાણે કે કેસનું સંક્રમણ વધે તેવી સ્થિતિ છે, જ્યારે વિસનગર સહિતના શહેરોમાં કેસો સંખ્યા વધારે જોવા મળી છે. શહેરોમાં તંત્ર આરામ ફરમાવી રહ્યું છે, બીજી તરફ દુકાનો ખુલતા ગ્રાહકો બેફિકર બની ટોળેવળી ખરીદી કરવા ઉમટી પડ્યા છે.
વિસનગરમાં તંત્રની રહેમરાહે સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા
હાલમાં જેમ પાડાના વાંકે પખાલીને ડામ દેવાતો હોય છે તેમ આજે કોરોના વાઇરસથી બચવા જે લોકો સરકારની ગાઈડલાઇન અનુસરી રહ્યા છે તે લોકોના માથે પણ જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લાનું તંત્ર સફાળું જાગે અને કોરોના ભાગે તે આવશ્યક બન્યું છે.