વર્તમાન સમયમાં આધુનીકરણના કારણે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. માનવીએ વિકાસની લાલચમાં પ્રકૃતિને ડામાડોળ કરી નાખતા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિવસે-દિવસે વધી રહી છે. જેના કારણે કુદરતી અમીજળ એટલે કે, વરસાદની અનિયમિતતા જોવા મળી રહી છે.
હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. તો ક્યાંક આજે પણ અમીછાંટણા વરસાવી રહ્યા છે. ત્યારે કુદરતની બે તાસીર અને ગત વર્ષે નહિવત પડેલા વરસાદે કાળા માથાના માનવીને જળનું મહત્વ સમજાવી જ દીધું છે. વિસનગરના પર્યાવરણને લઈ તરભ ગામે સામુહિક જળ સંચયના આયોજનથી વધુ એક સકારાત્મક કાર્યની શરૂઆત કરી છે.
મહેસાણાના તરભ ગામે સામુહિક જળ સંચયનું અનોખું આયોજન જુઓ ખાસ અહેવાલ..., ETV BHARAT રાજ્યમાં કદાચ આ પહેલું એવું ગામ છે કે, જ્યાં પંચાયત ઘરના સભ્યો અને સરપંચ દ્વારા વરસાદની સીઝનમાં વહી જતું વરસાદી પાણી ગામના અવાવરું બનેલા કૂવામાં ભરવાનું નક્કી કરાયું છે. આ કૂવો પણ ગામના એવા ભાગમાં છે કે, જ્યાં વરસાદ વરસે ત્યારે ગામની જમીન પર પડતું વરસાદી પાણી વહીને આ જ જગ્યાએથી પસાર થાય છે. ત્યારે આ વરસાદી પાણી વહી જતા તેને સંગ્રહ કરવા પાણીના વહેણના રસ્તે ગામમાં જુદી જુદી જગ્યાએ કલેક્શન ટેન્ક બનાવવામાં આવ્યા છે. આ તમામ 6 થી 10 ટેન્કનું પાણી મોટી પાઇપ લાઇન દ્વારા કૂવામાં ભરાઈ જાય છે.
ગ્રામજનોના આ સામુહિક જળ સંચયના આ આયોજનથી ગામમાં અવાવરું પડી રહેલો કૂવો રિચાર્જ કરવામાં આવશે. સાથે જ કૂવો રિચાર્જ થતા જમીનમાં પાણીના તળ ઉપર આવશે જેનો લાભ ગામલોકોને પીવાના પાણી આપતા ટ્યુબવેલ થકી થશે. આમ આ ગામના જમીન વિસ્તાર પરથી વરસાદના પાણી જે નદી નાળા અને ગટરમાં વહી જતા હતા તે હવે કૂવામાં સંગ્રહ થશે. તેથી કુદરતની દેન રૂપે ગામના જ ઉપયોગમાં આવી શકશે અને લોકોને દુષ્કાળમાં પણ પાણીની તકલીફ નહી પડે.