મહેસાણા જિલ્લામાં ખેતીવાડી અને પશુપાલન બે મહત્વના વ્યવસાય છે, જેના પર અહીંનું જન અને પશુધન નિર્ભર રહેતું હોય છે, ત્યારે સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા વિસનગર તાલુકાના રંગકુઈ ગામના નૈનીબેન ચૌધરીએ કે જેઓએ પોતાની નાની વયે પશુધન સાથે પોતાના પિયરથી શરૂ કરેલી દૂધ ઉત્પાદનની જહેમત આજે મોટી વયે પણ તેઓને તેમના સાસરીમાં આગવી ઓળખ અપાવી રહી છે.
એક સફળ મહિલા પશુપાલકની પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિ, કમાય છે એક ઓફિસર કરતા વધારે નૈનીબેન પહેલા તો એક સામાન્ય પશુપાલક હતા અને તેમના ઘરે 6 જેટલા દુધાળા પશુઓનું પાલનપોષણ કરી સામાન્ય દૂધની આવકમાં કમાણી કરી લેતા હતાં, પરંતુ વિદેશમાં જઈ પશુપાલન અને ખેતી વિશે અભ્યાસ કરી સ્વદેશમાં આવેલા દીકરાએ માતા નૈનીબેનને આધુનિક પશુપાલનની સમજ આપતા છેલ્લા ત્રણ ચાર વર્ષથી નૈનીબહેને પોતાના પશુઓને વાડામાં ખુલ્લા છોડી મુક્ત પણે હરવા ફરવાની સગવડ કરી છે. તો દુધાળા પશુ અને વાછરડાઓને જુદા જુદા વાડામાં રાખી તમામની સાર સંભાળ રાખે છે.
અહીં, પશુઓ મન મુક્ત વાતાવરણમાં હરિ ફરી પ્રફુલ્લિત થતા દૂધ આપવાની ક્ષમતામાં વધારો થયો છે તો આજે 6માંથી 22 જેટલા પશુઓને નૈનીબેન એક સાથે 10-10ની પેરમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતા મિલકિંગ મશીનથી પશુઓને દોહી રહ્યા છે. આમ કરતા નૈનીબેનને શારીરિક થાક ઓછો લાગે છે. આમ, રંગકુઈના નૈનીબેન પ્રતિદિન 100 લીટર જેટલું દૂધ ગામની દૂધ મંડળીમાં ભરાવી મહિને 50 હજાર જેટલી આવક મેળવી રહ્યા છે.
છેલ્લા 40 વર્ષેથી પશુપાલન કરતા નૈનીબેન આજે છેલ્લા 3 વર્ષથી પશુપાલનમાં બદલાવ કરતા ખેતરમાં મોટો વાડો બનાવી તેમા લગભગ નાના મોટા 40 પશુઓ રાખી રહ્યા છે, જેમાંથી 22 દુધાળા પશુઓ છે અને જે દૂધ દોહવાના સમયે જાતે જ મિલ્ક પાર્લરની ખાસ જગ્યાએ પહોંચી જાય છે અને ત્યાં એક સાથે 10 પશુને મશીન દ્વારા દોહવામાં આવે છે. ત્યારબાદ પશુઓ પોતાના વાડામાં ટહેલવા લાગે છે. આમ, 6 પશુમાંથી આજે એક મહિલા 40 જેટલાં પશુ સંભાળી રહ્યા છે, જે પશુપાલન કરતા રોજનું 100 લીટર દૂધ ડેરીમાં ભરાવી પોતાના પરિવારને આર્થિક રીતે ખૂબ મદદરૂપ થાય છે સાથે તેઓ ગામની અન્ય મહિલાઓને પણ અદ્યતન ટેક્નિકથી પશુપાન કરવા પ્રેરણા આપી રહ્યા છે.
એક વયવૃદ્ધ માતાને પશુપાલન સમયે શારીરિક કમજોરી અનુભવાતી હોઈ વિદેશમાં અભ્યાસ કરતા પુત્રએ માતાના પશુપાલનના વ્યવસાયને ટેકનોલોજી સાથે જોડી દઈ સરળ કરી દીધી તો માતાના પશુપાલનના વ્યવસાયને પણ પુત્રોએ પરિવાર માટે મહત્વનું યોગદાન ગણાવી રહ્યા છે અને આગળ પણ આ પરિવાર પશુપાલનમાં પ્રગતિ કરવા મક્કમ મને આગળ વધવાનો નીર્ધાર કરી રહ્યા છે.
નૈનીબેન ચૌધરીની પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિને જોતા રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા શ્રેષ્ઠ પશુપાલકનું સન્માન પુરસ્કાર પણ આપવામાં આવેલા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આજે ગ્રામ્ય વિસ્તારમાં રહી પશુપાલન કરતા આ મહિલાએ પોતાના પશુપાલન કાર્યમાં કેળવેલી રુચિ અને બદલાવને પગલે પોતે એક સફળ મહિલા પશુપાલક બની શક્યા છે.