મહેસાણા: સામાન્ય રીતે ભારતમાં શિયાળો ઉનાળો અને ચોમાસુ આ ત્રણેય ઋતુઓનો અનુભવ થાય છે, ત્યારે સીઝનના બદલાવ સાથે જનજીવન અને આરોગ્ય પર ક્યાંકને ક્યાંક માઠી અસર પણ વર્તાતી હોય છે. આ સ્થિતિ વચ્ચે ચોમાસાની સીઝનમાં રોગચાળાની ભીતિ વધી જતી હોય છે. જેમાં સિઝનની સાથો સાથ રોગચાળા સામે રક્ષણ મેળવવા લોકોની અસભાનતા પણ જવાબદાર રહેતી હોય છે.
મહત્વનું છે કે, આજે કોરોના કાળમાં વાઇરસની અસરથી બચવા વારંવાર હાથ ધોવા, મોઢું ઢાંકવું, પુરા વસ્ત્રો પહેરવા સહિતની તકેદારી રાખવા લોકો ટેવાઇ ગયા છે, પરંતુ ચોમાસાની સિઝન હોવાથી હાલમાં ઠેર-ઠેર ક્યાંક મ્યુનિસિપાલિટી તંત્રની બેજવાબદારી તો ક્યાંક નાગરિકોની અજાગૃતતા આજે જાહેર જગ્યાઓ પર ગંદકીના ઢગ સર્જી રહ્યી છે. શહેરી વિસ્તારોની પરિસ્થિતિ જોતા મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જિલ્લાના નાગરિકોને ડેન્ગ્યુ અને મેલેરિયાથી બચાવવા આગમચેતીના ભાગ રૂપે કડી વિસનગર ઊંઝા અને મહેસાણા સહિતના વિસ્તારોમાં ખાસ પ્રકારે વેકટલ કન્ટ્રોલ ટીમ દ્વારા વરસાદી પાણી ભરાયા હોય ત્યાં જંતુનાશક દવા છાંટવાની કામગીરી કરવામાં આવી રહી છે.