- વિજાપુર માર્કેટ યાર્ડમાં મગફળી વેચાણની તાસીર બદલાઈ
- ખુલ્લા બજાર સાથે ટેકાના કેન્દ્ર પર પણ ખેડૂતો મગફળી વેચવા પહોંચ્યા
- ટેકાના ભાવે 27 ખેડૂતોએ 900 બોરી મગફળી વેચી
મહેસાણા : જિલ્લામાં આવેલ વિજાપુર ખાતે ખેડૂતો માટે ચાલુ વર્ષે મગફળીના પાકમાં તેજી જોવા મળી રહી છે. જ્યાં શરૂઆતમાં ટેકાના ભાવ કરતા 100 થી 200 રૂપિયા વધારે ભાવ મળ્યો છે. તો હાલમાં ટેકાના ભાવ સમક્ષ મગફળીના ભાવ ખુલ્લા બજારમાં આવતા ખેડૂતો બન્ને જગ્યાએ વેપાર માટે આવી રહ્યા છે.
મગફળીની 25 થી 27 હજાર બોરી મગફળીની આવક નોંધાઇ
વિજાપુર માર્કેટ યાર્ડમાં ચાલુ સીઝનમાં મગફળીની 25 થી 27 હજાર બોરી મગફળીની આવક નોંધાઇ છે. જ્યારે વધુમાં વધુ 1200 રૂપિયા પ્રતિ મણે મગફળીના ભાવ ખેડૂતોને ખુલ્લા બજારમાં મળ્યા છે. આમ વર્ષની સરખામણીએ મગફળીનું 50 ટકા જેટલું જ ઉત્પાદન થતા આ વર્ષે ખેડૂતોને ખુલ્લા બજારમાં સારા ભાવ મળ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરાયેલ ટેકાના ભાવના કેન્દ્ર પર 1200 ઉપરાંતના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છતાં ખેડૂતો મગફળી વેચવા આવતા ન હતા. જોકે, છેલ્લાં કેટલાક દિવસોમાં ખુલ્લા બજાર અને ટેકાના ભાવના કેન્દ્રના ભાવમાં સમક્ષતા આવતી હોવાને પગલે કેટલા ખેડૂતો હવે ટેકાના ભાવે પણ મગફળીનું વેચાણ કરવા જઈ રહ્યા છે.