મહેસાણાઃ જિલ્લાના ઊંઝા શહેરમાં બિલ્ડરોની ઠગબાજી સામે આવી છે. ત્રણ બિલ્ડરોએ ઊંઝા શહેરના પાટણ રોડ પર ગુરુ બંગલોઝ નામની સ્કીમ મૂકી ભાગીદારીમાં બનાવેલા મકાનના ગ્રાહકો પાસેથી પૈસા લઈ બાનાખત કરાવ્યા હતા.
મહેસાણાના ઊંઝામાં ગુરુ બંગલોઝ સ્કીમના ઠગબાજ બિલ્ડરો સામે ગ્રાહકોએ નોંધાવી ફરિયાદ
મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં બિલ્ડરોની ઠગબાજી સામે આવી છે. ત્રણ બિલ્ડરોએ ઊંઝા શહેરના પાટણ રોડ પર ગુરુ બંગલોઝ નામની સ્કીમ મૂકી ભાગીદારીમાં બનાવેલા મકાનના ગ્રાહકો પાસેથી પૈસા લઈ બાનાખત કરાવ્યા હતા.
જો કે, બાનાખત અને લોન કરી આપવાનો વિશ્વાસ આપ્યા બાદ પણ ભાગીદારોએ ભેગા મળી ગ્રાહકો સાથે છેતરપિંડીને અંજામ આપતા ન તો દસ્તાવેજ કરી અપાયો કે ન મકાન આપ્યા તેમજ પૈસા પણ પરત કર્યા ન હતા, ત્યારે છેતરાયાનો અહેસાસ થતા ગ્રાહકો ઊંઝા પોલીસ મથકે દોડી આવી બિલ્ડરો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
સામાન્ય નાગરિકો પોતાના જીવનની મહેનત થકી કમાયેલી પૂંજી એક છતનો આશરો મેળવવા ખર્ચતા હોય છે. ત્યાં અહીં બિલ્ડરોની ઠગબાજીનો શિકાર બનેલા લોકો છતાં પૈસા ખર્ચે ઘર વિહોણા બન્યા છે. જો કે સમગ્ર મામલે વિસનગર નાયબ પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શન કરી તપાસનો ધમધમાટ શરૂ કરતા છેતરપિંડીની ફરિયાદના બે આરોપીને હસ્તગત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.