મહેસાણાઃ વડનગર ખાતે આવેલા 2500 વર્ષ જૂના પૌરાણિક હાટકેશ્વર મહાદેવના મંદિરે દ્વિદિવસીય મહાશિવરાત્રીપર્વનું આયોજન કરાયું હતું. જે કાર્યક્રમને લઈ મંદિર પ્રાગણને જગમગતિ રોશનીથી આકર્ષક રૂપે શણગારવામાં આવ્યું હતું, ત્યાં શિવરાત્રીની શોભામાં વધારો કરવા અને હાટકેશ્વર દાદાના દર્શનનો લાવો લેવા સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, ટીવી સીરીયલ નિર્માતા આસિત મોદી અને હાસ્ય કલાકાર ઘનશ્યામ નાયક એટલે કે, "તારક મહેતા કા ઉલટા ચશ્મા"ના નટુ કાકા સહિત નગરજનો અને દૂર દુરથી આવેલા શિવભક્તોએ હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી.
વડનગરના પૌરાણિક હાટકેશ્વર મંદિરમાં દ્વિદિવસીય મહા શિવરાત્રીની ઉજવણી કરાઇ
વડનગરમાં આવેલા પૌરાણિક હાટકેશ્વર મંદિરમાં દ્વિદિવસીય મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.શિવરાત્રીનો મહાપર્વ હોય છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામે છે, ત્યાં મહેસાણા જિલ્લામાં આવેલા ઐતિહાસિક નગરી વડનગરમાં પૌરાણિક મંદિર હાટકેશ્વર મહાદેવમાં દ્વિદિવસીય મહાશિવરાત્રી પર્વ નિમિત્તે TV કલાકાર અને શ્રદ્ધાળુઓએ દર્શનનો લાહ્વો લઈ ધન્યતા અનુભવી હતી.
સીરીયલ નિર્માતા આસિત મોદીએ દાદાના દર્શન કરી નગરજનોને "તારક મહેતાના ઉલટા ચશ્મા"નો એપિસોડ વડનગરમાં શૂટિંગ કરવાની ખાતરી આપી હતી. તો આ સાથે જ પોતે વડનગરના વતની હોવાનું ગૌરવ વ્યકત કર્યુ હતું.
શિવરાત્રીનો પર્વ હોવાથી નાગરોના ઇષ્ટદેવ કહવેતા હાટકેશ્વર દાદાના દર્શને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. આ પાવન દિવસે મંદિર ખાતે વહેલી સવારથી યજ્ઞમાં હોમ આહુતી આપતા બ્રાહ્મણો દ્રારા દાદાના શિવલીંગની વિશેષ સેવા પૂજા કરવામાં આવે છે.
સંધ્યા કાળે હાટકેશ્વર દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢી ચકરેશ્વરી માતાના મંદિરે હાટકેશ્વર દાદા પોતાની બેનને સાડી અર્પણ કરી નિજ મંદિર પરત ફરે છે, ત્યારે આજની શોભાયાત્રામાં પહેલીવાર ઘોડાને ઊંટલરીઓ સહિત ધાર્મિક ટેબલો અને ભજન મંડળીઓ પણ આકર્ષણ બની રહ્યા છે. જે બાદ મંદિરમાં રાત્રીએ મહા આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ વડનગરમાં પહેલી વાર દ્વિદિવસીય શિવરાત્રીના મહા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.