- રાજ્ય કક્ષાના પ્રધાન વિભાવરી દવે રહ્યા હાજર
- ધ્વજવંદન બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ
- મહિલા પોલીસ કર્મીની તબિયત લથડી
મહેસાણા :મહેસાણા જિલ્લામાં જિલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 72માં ગણતંત્ર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયકક્ષાના પ્રધાન વિભાવરી દવે દ્વારા ધ્વજ લહેરાવવામાં આવતા ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને પદાધિકારીઓએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્રભક્તિના સૂર રેલાવ્યા હતા. રાષ્ટ્ર ગાન સાથે પોલીસ બેન્ડ દ્વારા પણ ખાસ સન્માન આપવામાં આવ્યું હતું.
ઉમદા કાર્ય માટે અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન
રાજ્ય કક્ષાના પ્રધાન વિભાવરી દવે દ્વારા આ રાષ્ટ્રીય પર્વ પર સૌ કોઈને શુભેચ્છા પાઠવતા આ દિવસની ગૌરવ ગાથા રજૂ કરવામાં આવી હતી. ખાસ પ્રકારે મહેસાણા જિલ્લામાં પોલીસ અને આરોગ્ય સહિતના ક્ષેત્રે ઉમદા કાર્યો કરનાર કર્મચારીઓ અને અધિકારીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરાયા હતા.
માત્ર જૂજ મહેમાનો હાજર
કોરોના મહામારી સમય ચાલતો હોય જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા ખાસ પ્રકારે વ્યવસ્થા કરી જે દર પર્વ પર મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. તે આ પર્વ પર ભીડ ના સર્જાય માટે જૂજ મહેમાનો અને આમંત્રિતોને જ બોલાવાયા હતા. આમ, કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે મહેસાણામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી.
પોલીસ શિસ્ત અને બેન્ડ પર રજૂ કરાયેલા રાષ્ટ્રભક્તિ ગીતોની ધૂન આકર્ષણનું કેન્દ્ર
ગણતંત્ર દિવસના આ રાષ્ટ્રીય પર્વ પર પોલીસના બેન્ડ, અશ્વદળ, પુરુષ અને મહિલા દળ સહિતના દળો જોડાઈને પરેડ રજૂ કરી હતી, તો દર વર્ષની જેમ આ વખતે પોલીસ જવાનોના કોઈ ખાસ સ્ટંટ રજૂ કરવામાં નથી આવ્યા. પોલીસ પરેડની શિસ્ત અને પોલીસ બેન્ડ પર રજૂ કરાયેલ રાષ્ટ્રભક્તિ ગીતોની ધૂન ઉપસ્થિત લોકો માટે આકર્ષિત રહી હતી.
વિદ્યાર્થીઓ સહિતના કલાકારો દ્વારા સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમનું રસપાન
રાષ્ટ્રીય પર્વ હોય તો સામન્ય દિવસોમાં રાષ્ટ્ર ભક્તિના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ, કોરોના કાળ ચાલતો હોય એ વખતે 5 જેટલી સાંસ્કૃતિક રજૂઆતો લઈ મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓએ આગવું પ્રદર્શન કરી ઉપસ્થિત લોકોને રાષ્ટ્રપ્રેમનું રસપાન કરાવ્યું હતું.
ધ્વજવંદન બાદ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડને હરિયાળું બનાવવા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રધાન વિભાવરી દવેએ પણ એક વૃક્ષ રોપી વૃક્ષારોપણ કર્યું હતું. બાદમાં જિલ્લાના તમામ અધિકારી અને પદાધિકારીઓ સહિત પોલીસ જવાનો અને કર્મચારીઓએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.
72માં ગણતંત્રદિવસની ઉજવણી મહેસાણા ગણતંત્ર દિવસની ઉજવણીમાં આકસ્મિક ઘટના
પરેડમાં સામેલ મહિલા પોલીસ કર્મીની તબિયત લથડતા જમીન પર ઢળી પડ્યા. જ્યાં ચાલુ પરેડ દરમિયાન આ ઘટના બનતા અન્ય પોલીસ કર્મીઓની મદદથી તેમને બાજુ પર ખસેડાયા તો વહેલી સવારથી જ આ મહિલા પોલીસ કર્મીઓ પરેડ માટે ફરજ પર જોડાયેલા હોઈ તબિયત લથડી હોવાનું એક અનુમાન સેવવામાં આવી રહ્યું છે. જોકે, હાલમાં તેમની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.