પોલીસ સૂત્રો અને રાજકીય લોકોની સાંઠ ગાંઠ વચ્ચે બેફામ બનેલા કનુ બુટલેગરને ત્યાં રેડ પાડવા આવતી પોલીસ ટીમ પર તેણે પોતાના સાગરીતો સાથે હુમલો કરવાનું શરૂ કર્યુ હતું. જેમાં અગાઉ ગાંધીનગરથી આવેલી વિજિલન્સની ટીમ પર હુમલો થયો હતો. આજે વધુ એક હુમલો મહેસાણા B ડિવિઝન પોલીસ પર કરવામાં આવ્યો હતો.
મહેસાણામાં રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરનો હુમલો, પોલીસની પ્રાઇવેટ કાર પર પથ્થરોનો વરસાદ
મહેસાણાઃ મહેસાણા શહેર વિભાગ 2માં આવેલા ટીબી રોડ પર આજે એક બુટલેગરને ત્યાં રેડ કરવા ગયેલી મહેસાણા B ડિવિઝન પોલીસ પર હુમલો થયો છે. ત્યાં બેફામ બુટલેગર અને તેના સાગરીતો સામે પોલીસે પણ કમર કસી ઘટના સ્થળે કોમ્બિન્ગ કરી અસામાજિક તત્વોની અટકાયત કરી હતી.
મહેસાણા B ડિવિઝન પોલીસ દ્વારા બુટલેગર કનુને ત્યાં રેડ કરવા જતાં મહોલ્લામાંથી આવેલુ ટોળું પોલીસ પર હુમલો કરવા ધસી આવ્યું હતું, જ્યાં પોલીસના જવાનને ભાગી જવું પડ્યું હતું તો પોલીસ જવાનની પ્રાઇવેટ કારને ટોળાએ પથ્થર મારો કરી નુકશાન પહોચાડ્યું હતું.
આ સમગ્ર ઘટનાને પગલે મહેસાણા DYSP મંજીતા વણઝારા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી મહોલ્લામાં કોમ્બિન્ગમાં રહેલા પોલીસ પરના હુમલામાં શકમંદોની અટકાયત કરી છે. આ સાથે જ સ્થળ પરથી દારૂનો જથ્થો પણ કબ્જે કરી પોલીસ રેડને સફળ બનાવી છે, તો પોલીસના હાથે લાગતા પહેલા મુખ્ય બુટલેગર કનુ ઠાકોર પોતાના પરિવાર સાથે ભાગી જવામાં સફળ રહ્યો હતો.