મહીસાગર: કોરોનાના દર્દીને ખ્યાલ પણ ન આવે તે રીતે અચાનક તેના શરીરમાં ઓક્સીજનનું લેવલ નીચે આવી જાય છે. આવી સ્થિતિમાં દર્દી માટે અતિ જોખમી બને છે. આવી હાલતમાં દર્દીનું મૃત્યુ થવાની સંભાવના પણ રહેલી હોય છે. તબીબી ભાષામાં આ સ્થિતિને સાઇલેન્ટ હાઈપોક્સીઆ કહેવામાં આવે છે.
આપણા ફેફસા શરીરને ઓક્સીજન આપતું એક માત્ર માધ્યમ છે.
આપણે જાણીએ છીએ કે ફેફસા ઓક્સિજનને લઈને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. જ્યારે ફેફસામાં શ્વાસ લેવામાં તકલીફોને લીધે ઓક્સિજન ન લઈ શકે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર ન કાઢી શકે ત્યારે, હાયપોક્સીઆ પણ હાઇપરકેમ્પનીઆ નામની સ્થિતિ સર્જે છે. જ્યારે શ્વાસ ન લઇ શકાય ત્યારે, કાર્બન ડાયોક્સાઇડ બહાર ન નીકળી શકવાના કારણે લોહીના પ્રવાહમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું અસંતુલન ઊભું થાય તેને હાઈપરકેમ્પનીઆ કહેવાય છે, આવી સ્થિતિ નિવારવા પલ્સ ઓક્સીમીટર મદદગાર બને છે. તો ચાલો, આજે વાત કરીએ પલ્સ ઓક્સિમીટર વિષે. આ નાનકડી ડિવાઇસ ખરેખર આટલી બધી ઉપયોગી છે? શા માટે જરૂરી છે?
ઓક્સીમીટરની જરૂર કોને ? અને શા માટે ?
આપણા શરીરમાં ઓક્સિજનનું સ્તર 94 અને 100ની વચ્ચે હોવું જોઈએ. જો આ સ્તર 94ની નીચે આવે તો સારવાર લેવાની જરૂર ઊભી થાય છે. તેમજ 75થી ઓછું હોય તો શરીરની સ્થિતિ ગંભીર હોવાનું દર્શાવે છે. હાલના કોવિડ પોઝીટીવ દર્દીઓમાં ઓક્સિજનનું સ્તર ઓછું હોય ત્યારે તેમને કોઈ લક્ષણો જોવા મળતા નથી. એટલે જ આ સ્થિતિમાં ઓક્સીમીટર આશીર્વાદરૂપ બને છે અને સહેલાઇથી ઓક્સિજન ચેક કરી સમયસર સારવાર લેવામાં મદદરૂપ બને છે. કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિને કોરોના વાઇરસનું ઈન્ફેકશન થાય ત્યારે તેનું ઓક્સિજન લેવલ ઘટીને 94 નીચે જઇ રહ્યું હોય તો તેને તકેદારી રાખી તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.