લુણાવાડા: રાજયના નાગરિકોની આરોગ્ય કાળજી માટે તત્પર ગુજરાત રાજય સરકારે 108 ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવવા માટે સરકાર દ્વારા અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સેવાઓ પુરી પાડવામાં આવે છે.તેથી જ ગુજરાતની લાડકી સેવા 108 એમ્બ્યુલન્સ સેવાએ લાખોની સંખ્યામાં લોકોની મદદ કરી અને જરૂરીયાતમંદ લોકોને તાત્કાલીક મેડિકલ, પોલીસ અને ફાયર સેવાઓ આપીને લાખો લોકોના જીવ બચાવ્યા છે. તેવું જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનું ઉતમ ઉદાહરણ મહીસાગર જિલ્લામાં જોવા મળ્યું છે.
કડાણામાં 108ની સેવાએ સફળ પ્રસૂતિ કરાવી માતા બાળકનો જીવ બચાવ્યો
વૈશ્વિક મહામારી કોરોનાના સમયના કપરાકાળમાં પણ માનવજાત માટે વરદાન રૂપ સાબિત થયેલી અને મેડીકલ ઇમરજન્સીમાં મુકાયેલા દર્દીઓ માટે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ જીવનદાયિની સાબિત થઇ છે. ત્યારે 108ની સેવાઓ નવા માઇલસ્ટોન પ્રસ્થાપિત કરી રહી છે.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લેબાનીવાવ ગામના નરેશભાઇ ખાંટે તેમના પત્ની ગીતાબેનને ઘરે અચાનક પ્રસવ પીડાનો અસહ્ય દુઃખાવો થતા તેમણે તરત જ 108 નંબર પર ફોન કરીને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. ગોધરા 108 એમ્બ્યુલન્સને કોલ મળતા તરત જ પાયલોટ કિરપાલસિંહ અને EMT પ્રવીણકુમાર પટેલીયાએ દર્દીના સગાને ફોન કરી માહિતી પૂછતા દુઃખાવો વધુ હોવાનું જાણવા મળ્યું હતું .દર્દીના સગાને ફોન ઉપર સમજાણ આપી, ત્યારબાદ તરત જ 108 ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. તો દુઃખાવો અસહ્ય હોવાથી 108 ઈમરજન્સી સેન્ટરમાં ERCP ડો.મહેતાની સલાહ અને માર્ગદર્શન મેળવી EMT પ્રવીણકુમાર પટેલીયાએ પ્રસુતિ તાત્કાલિક તેમના જ ઘરે જ કરાવી અસહ્ય દુઃખાવોમાંથી મુકત કર્યા હતા. લેબાનીવાવ ગામના ગ્રામજનો અને તેમના સગા વહાલાએ 108 એમ્બ્યુલન્સ સફળ પ્રસુતિ કરાવતા ઉપસ્થિતોએ 108 ની સરાહનીય કાર્યની પ્રસંશા કરી હતી.
પ્રસુતિ બાદ 108 કર્મીઓએ બાળક અને માતાને વધુ સારવાર માટે લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇમરજન્સી ટાણે તાત્કાલિક સેવા પૂરી પાડીને એક સાથે બેનો જીવ બચાવી 108 જીવનરક્ષક પુરવાર થઈ છે.