મહીસાગરઃ કોરોનાની મહામારીને લઇને સમગ્ર રાજ્યમાં લોકડાઉનના કારણે જ્યારે શાળાઓ બંધ થઈ છે. શિક્ષણ જગતમાં વેકેશનનો માહોલ છે ત્યારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની અપીલ બાદ કોરોના સામેના જંગમાં ડૉક્ટરો, નર્સ, પોલીસ બાદ મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો પણ આ જંગમાં કોરોના વોરિયર બનીને સામે આવ્યા છે.
મહીસાગર જિલ્લાના 5126 પ્રાથમિક શિક્ષકોએ પોતાના પગારમાંથી એક દિવસનો પગાર CM રાહત ફંડમાં જમા કરાવ્યો છે. આ શિક્ષકો નાણાકીય મદદની સાથે સાથે જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટ વિતરણ, ટિફિન સેવા આપીને પણ મદદરૂપ બની રહ્યાં છે. તેમજ ભર ઉનાળે ખડેપગે રહીને ફરજ બજાવતા કર્મચારીઓને શરબત અને ઉકાળાના વિતરણની પ્રવૃતિઓ પ્રાથમિક શિક્ષકો દ્વારા હાથ ધરવામાં આવી છે.
જિલ્લાના પ્રાથમિક શિક્ષકો બન્યા કોરોના વોરિયર વિશેષમાં પ્રતાપગઢ ક્લસ્ટરમાં શિક્ષકો, CRC,ગામના સરપંચ તેમજ ગામના યુવાનો દ્વારા 500 રૂપિયા લેખે 250 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાનપુર તાલુકાની જેતપુર પ્રાથમિક શાળાના આચાર્ય રમેશચંદ્ર નરસિંહભાઇ પંડ્યા દ્વારા 1 લાખ રૂપિયા CM રાહતફંડમાં જમાં કરાવવામાં આવ્યા છે. લુણાવાડા તાલુકાની પાલેશ ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષક રામજીભાઇ વણકર દ્વારા 11 હજાર એકસો અગિયાર રૂપિયા તથા સિરાજુદ્દીન સૈયદ દ્વારા 10 હજાર રૂપિયા તેમજ કડાણા તાલુકાના 2 તેમજ વિરપુર તાલુકાના 3 સ્કૂલ ઇન્સપેક્ટર દ્વારા 6500 રૂપિયાની સહાય કરવામાં આવી છે.
લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બિપિનભાઇ એમ. પટેલ તથા તેમના સ્ટાફ દ્વારા અંદાજિલ 75000ના ખર્ચે 200થી વધુ કીટનું ગરીબોમાં વિતરણ કરવામાં આવ્યું. બિપિનભાઇ દ્વારા 50થી વધુ ટિફિન સેવાઓ પણ કરવામાં આવી. રામજીભાઇ વણકર દ્વારા 150થી વધુ અનાજની કીટનું ગરીબોને વિતરણ કરવામાં આવ્યું. તેમજ વિરપુર તાલુકાની ગુદીના મુવાડા પ્રાથમિક શાળાના બાબરભાઇ દ્વારા 250થી વધુ ટીફિન સેવા આપી જનસેવાના કાર્ય કરવામાં આવ્યા છે. ખાનપુર તાલુકામાં આવેલી લીમડિયા શાળાના શિક્ષકોએ કોરોના વાઇરસ બાબતે લીમડિયા ગામમાં આયુર્વેદિક ઉકાળો જાતે બનાવી 3 વાર વહેંચણી કરી છે. સી.આર.સી.પાદરી ફળીયા, સંતરામપુર, મહીસાગર નર્સિંગપુર પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશભાઈ ભાવસાર આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરે છે.