"મા અમૃતમ કાર્ડ" ની યોજના બંધ થવાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજો સત્યથી વેગળા - State Government
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી અમૃતમ કાર્ડ યોજના બંધ થઇ જશે તેવા ખોટા SMS સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થયા છે. ત્યારે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું છે કે, આ યોજના બંધ નહીં થાય વાયરલ થયેલા મેસેજ તદ્દન સત્યથી વેગળા છે.
મહીસાગરઃ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી અમૃતમ કાર્ડ યોજના બંધ નહીં થાય. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા "માં અમૃતમ કાર્ડ" બંધ થાય છે. તેવા મેસેજ વાયરલ થયા છે એ મેસેજ તદ્દન સત્યથી વેગળા છે.
તેમણે ઉમેર્યું કે, ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને ગંભીર બીમારી સામે આર્થિક રીતે મદદરૂપ થવા માટે શરૂ કરાયેલા રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી એવી "મા અમૃતમ કાર્ડ " યોજનાને રાજ્ય વ્યાપી વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે આ યોજના બંધ કરવામાં આવનાર છે, એવા ખોટા મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા છે. એ સમાચારો સત્યથી વેગળા છે. નાગરિકોએ આ મેસેજ સંદર્ભે ગેરમાર્ગે ન દોરાવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.
તેમણે ઉમેર્યું કે, મુખ્યપ્રધાન "માં અમૃતમ" અને "મા વાત્સલ્ય" યોજનાના સોફ્ટવેરના અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોવાથી આ યોજનાના લાભાર્થીઓને આજરોજ માટે નાની-મોટી મુશ્કેલી કે વિલંબ થઈ શકે છે. પરંતુ તમામ હોસ્પિટલોને પણ કોઈ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઇ છે. તેમજ મંજૂરી મળવામાં કોઈ પણ મુશ્કેલી કે, વિલંબના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે. જેથી આ અંગે નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.