મહીસાગરઃ બે દિવસ પહેલા હેલોદર ગામની મહિલા લીલાબેન ખાંટ પ્રસૂતિ માટે લુણાવાડાની નવજીવન હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ગત મોડી રાત્રે આકસ્મિક ઓપરેશનની સ્થિતિ ઊભી થઈ હતી. હોસ્પિટલના ડો.એસ.પી.પટેલે સફળ ઓપરેશન કરતાં પુત્રનો જન્મ થયો. પરંતુ પુત્ર જન્મતાં રડ્યો નહોતો અને તેની નાદુરસ્ત તબિયતના પગલે તાત્કાલિક બાળકોના ડોક્ટર પાસે લઈ જવાની ફરજ પડી હતી.
મહીસાગર પોલીસે નવજાત શિશુને નવજીવન આપી માનવતા મહેંકાવી - મહીસાગર પોલીસે નવજાત શિશુની કરી મદદ
લુણાવાડાની નવજીવન હોસ્પીટલમાં બે દિવસ અગાઉ પ્રસૂતિ માટે હેલોદર ગામની મહિલા દાખલ થઈ હતી. મંગળવારે મોડી રાત્રે આકસ્મિક ઊભી થયેલી પરિસ્થિતીમાં ઓપરેશન બાદ જન્મેલા નવજાત શિશુને તાત્કાલિક બાળકોના ડોક્ટર પાસે લઈ જવાની જરૂર પડી હતી. પરંતુ લોકડાઉનના કરાણે બાળકને હોસ્પિટલમાં પહોંચા઼ડવું અઘરું સાબિત થઈ પડ્યું હતું. ત્યારે બાળકનો જીવ બચાવવા દોડતા પિતાની વ્હારે મહીસાગર પોલીસ લુણાવાડા PI અને પોલીસ જવાનોએ આવી તેને બાળકોના હોસ્પિટલે પહોંચાડી નવજીવન આપી માનવતા મહેંકાવી હતી.
બાળકના પિતા ભરતભાઈ પોતાના દીકરાને લઈ બાળકોની હોસ્પિટલે લઈ જવા રીતસર દોડ્યા, લોકડાઉનના પગલે રસ્તાઓ સૂમસામ હતા. હોસ્પિટલની બહાર નીકળતા સામે લૂણેશ્વર પોલીસ ચોકીએ બંદોબસ્તમાં PI વિમલ ધોરડા અને પોલીસ જવાનોએ નવજાત દીકરાનો જીવ બચાવવા દોડતા પિતાને જોઈ તેની પૂછપરછ કરી વ્હારે આવી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોલીસના વાહનની રાહ જોયા વગર હાજર બાઈક પર બેસાડી શિશુને બાળકની હોસ્પિટલે પહોંચાડ્યો હતો. મહીસાગર પોલીસને બાળકની તબિયત અંગે સારા સમાચાર મળ્યા બાદ આજે બાળકને માતા પાસે લઈ જવા સુધી સતત પડખે રહી સહયોગ આપી સંવેદના દાખવી અને પરિવારને જરૂરી સહાય પૂરી પાડી હતી.
આમ, ભરતભાઈ ખાંટના પરિવારે દેવદૂત બની આવેલી મહીસાગર પોલીસની આ માનવતા ભરી કામગીરી માટે આભાર વ્યક્ત કરતાં ગદગદ થઈ ગયા હતા. જિલ્લા પોલીસવડા ઉષા રાડાએ સતત પ્રજાની પડખે રહેતી મહીસાગર પોલીસ નવજાત શિશુને જન્મતાં જ મદદ આપી શકી એનો આનંદ વ્યકત કર્યો હતો.