મહીસાગરઃ બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા પાલિકા તંત્ર દ્વારા કોરોના સંક્રમણને નાથવા સઘન પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. લોકો ઘરમાં જ સલામત રહે તે માટે તંત્ર દ્વારા ઘરે-ઘરે શાકભાજી મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં સેનિટાઈઝેશન, સ્વચ્છતા, સામાજિક અંતર, માસ્કનો ઉપયોગ એ મહત્વના મુદ્દા છે. બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાતા પાલિકા તંત્ર દ્વારા કોરોના સંક્રમણને નાથવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
નગરપાલિકા વિસ્તારમાં જ્યાં પોઝિટિવ કેસ મળેલા છે, ત્યાંની સાફ-સફાઈની સઘન ઝુંબેશની કામગીરી તેજ કરવામાં આવી છે. સ્વચ્છતા કર્મીઓ જીવના જોખમે પોતાની સેવાઓ બજાવી રહ્યા છે. તેની પણ ચિંતા કરી તેમના સ્વાસ્થ્યને સલામત રાખવા માટે સેફટી કીટ આપવામાં આવી છે. આ સેફટી કીટ પહેરીને કર્મચારીઓ તે વિસ્તારની સાફ-સફાઈ કરી રહ્યા છે, જેથી તેમની પણ જિંદગી કોરોનાથી બચાવી શકાય.
નગરપાલિકા દ્વારા પોઝિટિવ કેસ મળેલા વિસ્તારમાં લોકો ઘરની બહાર ન નીકળે, ઘરમાં જ સલામત રહે તે માટે તંત્ર દ્વારા ઘરે-ઘરે શાકભાજી મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવા સઘન પ્રયાસો થકી નગરમાં કોરોના વાઇરસ વધુ ન ફેલાય અને સીમિત રાખી નિયંત્રણમાં રાખવા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.