મહીસાગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં મૂંગા પશુઓ કે જેઓ અકસ્માતનો ભોગ બન્યા હોય, ઇજાગ્રસ્ત થયા હોય, બિમાર હોય, માલિકવિહોણા તેમજ માલિક સાથે હોય તેવા પશુ-પક્ષીઓને ઇમરજન્સી વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવ્યો છે.
જેમ માનવોને તાત્કાલિક સારવાર માટે 108ની એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ છે તેવી જ રીતે પશુઓ માટે પણ 1962ની સેવા શરૂ કરવામાં આવી છે. જેનું સંચાલન GVK EMRI, અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સેવા હેઠળ 1962 પર કે 112 ઈમરજન્સી હેલ્પલાઇન નંબર પર કોલ કરી મૂંગા પશુઓ તેમજ પક્ષીઓની નિ:શુલ્ક ઇમરજન્સી સારવાર કરવામાં આવે છે.
લુણાવાડામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કણસતી ગાયને મળી તાત્કાલિક સારવાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા મૂંગા અને અબોલ પશુઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ મહીસાગર જિલ્લા ખાતે મળ્યું હતું. લુણાવાડાના સ્વયંભુ મહાદેવ ઘાંટી વિસ્તારમાં દર્દથી એક ગાય કણસતી હતી જેને જોઈને જીવદયાપ્રેમી યુવાનોએ આ એમ્બ્યુલન્સ સેવા દ્વારા તેની સારવાર કરાવી હતી.
કરૂણા એમ્બ્યુલન્સની ટીમના વેટરનરી ડૉકટર કામીલ પ્રજાપતિ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચતા યુવાનોએ કરૂણા એનિમલ ટીમને મદદ કરી દર્દથી પછડાતી ગાયને એક દોરડાથી બાંધી હતી અને તેની સારવાર શરૂ કરી ગાયને જરૂરી ઇન્જેકશન આપ્યા હતા. ગાયના આંચળમાં ભરાયેલું દૂધ કાઢવામાં આવ્યા બાદ થોડી ક્ષણોમાં તે સારવારથી રાહત અનુભવવા લાગી હતી અને શાંત થઈ હતી.
આમ, આ ગાયની પીડા દૂર થતા સંવેદનશીલ સરકારની મૂંગા પશુઓ માટેની શરૂ કરવામાં આ સેવાને ઉપસ્થિત સૌએ બિરદાવીને વેટરનરી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.