મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં NFSA અને NON-NFSA BPL રાશનકાર્ડ ધારકો મળી કુલ 1,40,395 રાશનકાર્ડ ધારકોની 6.97 લાખથી વધુ જનસંખ્યાને મે 2020નું નિયમિત વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એમ બંને પ્રકારનું એકસાથે વિના મૂલ્યે વિતરણ કરવાનો પ્રારંભ જિલ્લા કલેકટરના માર્ગદર્શન અને જિલ્લા પુરવઠા અધિકારી રાહબરી હેઠળ પુરવઠાતંત્રની ટીમો દ્વારા કરવામાં આવ્યો છે.
મહીસાગરમાં 1.40 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ આ કાર્ડ ધારકોને મે મહિનામાં મળવાપાત્ર અન્ન ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિ દીઠ 3.50 કિલો ગ્રામ ઘઉં, 1.50 કિલોગ્રામ ચોખા તથા કાર્ડદીઠ એક કિલોગ્રામ ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનાજ વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે સતત 10 દિવસ સુધી વિતરણ કરવામાં આવશે. જેમાં રાશનકાર્ડના છેલ્લા 0 થી 9 સુધીના અંક પ્રમાણે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અનાજ વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે માટે દરેક વ્યાજબી ભાવની દુકાનો આગળ સર્કલ દોરવામાં આવ્યા છે. તેમજ ફરજિયાત માસ્ક પહેરીને જ અનાજનો જથ્થો લેવા આવવાનું રહે છે. માસ્ક ન હોય તો અનાજનો જથ્થો નહીં તેવું સૂત્ર અપનાવવામાં આવ્યું છે.
ગંધાર ગામના રહેવાસી અને અનાજનો જથ્થો લેવા આવેલ લાભાર્થી બુધાભાઈ બારીયા જણાવે છે કે, હું કામ અર્થે નજીકના લુણાવાડા અને કોઠંબા જતો હતો. પરંતુ લોકડાઉનમાં કામકાજ બંધ રહેતાં કોઇ જગ્યાએ જવાતુ નથી. કોઈ કામ નથી. આવા સમયે વિનામૂલ્યે અનાજ આપીને અમને જે સગવડ આપી છે તે માટે હું સરકારનો આભાર માનું છું તેમ કહ્યું હતું.
ગંધાર ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા બારીયા જુવાનસિંહ ભલાભાઇ જણાવે છે કે, છેલ્લા 2 મહિનાથી બજારમાં ક્યાંય જવાતું નથી. કામ નથી ઘરમાં બેસી રહ્યો છું. ત્યારે સરકાર તરફથી બે મહિનાથી ઘઉં-ચોખા મોરસ અને ચણા જે ફ્રીમાં આપવામાં આવે છે. તે આવા સમયે અમારા માટે સારું છે. અમને સરકારે જે આપીને સારું કામ કર્યું છે, તે બદલ સરકારનો આભાર માનું છું.