લુણાવાડા: કોવિડ-19 વિજય રથ મહીસાગર તીર્થધામ દેગમડા ખાતેથી મહંત અરવિંદગિરિના હસ્તે જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ માટે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું. આ રથ સાથે પરંપરાગત કળાઓ દ્વારા ખૂબ જ સહજ અને ગામઠી શૈલીમાં કોરોના સામે સાવચેતી અંગે જાગૃતતાના સંદેશને લઇ લોકનાટક ભવાઇ સાથે જગદીશ બારોટ અને તેમની લોક કલાકારોની ટીમે ગીત સંગીત સાથે મનોરંજનના
માધ્યમથી કોરોના અંગે જનજાગૃતિનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મહીસાગરમાં વિજય રથના માધ્યમ થકી લોક કલાકારો દ્વારા કોરોના અંગે જનજાગૃતિનો અનોખો પ્રયાસ - મહીસાગરમાં કોરોનાના સમાચાર
ગુજરાતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમયસર લેવાયેલા પગલાઓથી કોરાના મહામારી સામે પ્રજાને થોડી રાહત મળી છે. પરંતુ જંગ હજુ પૂર્ણ થઈ નથી. ત્યારે સાવચેતીના ભાગરૂપે મહામારીનો મુકાબલો મક્કમ મનોબળ સાથે થાય તેવી આવશ્યકતાના પગલે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતા પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના સંયુક્ત પ્રયાસોથી "કોરોના સામેનો જંગ જીતીશું સાવચેતીને સંગ" સૂત્ર સાથે કોરોના જનજાગૃત્તિના હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કોવિડ વિજય રથમાં સવાર ભવાઇ વેશના લોકકલાકારો દ્વારા લોકોને "કોરોના સામેનો જંગ જીતીશું, સાવચેતીને સંગ" સૂત્ર સાથે ગામે ગામ ફરી કોરોના સામે જનજાગૃત્તિ કેળવવા તેમજ આ સાથે આયુર્વેદિક દવા વિતરણ,બેનર્સ, પોસ્ટર્સ પ્રદર્શન સાથેના આ વિજય રથ દ્વારા જિલ્લામાં ઘનિષ્ઠ લોકજાગૃત્તિ કેળવવાનો ઉમદા પ્રયાસ કરાયો હતો.
કોવિડ-19 સામેની લડાઇમાં દો ગજની દુરી, ફરજીયાત માસ્ક જરૂરી, કોઇપણ વ્યક્તિ સાથે હાથ મિલાવવો નહી, ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી હાથ ધોવા અને સેનીટાઇઝરથી હાથને જતુંરહીત કરવાના મહત્વના પગલા લેવા માટેના સુત્રો સાથે ગ્રામજનોને સમજ આપતી તસ્વીરી વિગતો આ રથમાં પ્રર્દિશત કરાઇ હતી.
જિલ્લામાં કોરોનાને હરાવવાનો એક માત્ર ઉપાય સાવચેતી અને લોક જાગૃતતા છે. લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ મહીસાગર જિલ્લાના ગ્રામજનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.