મહીસાગર જિલ્લાના કડાણા બંધમાં ઉપરવાસમાંથી આવકમાં વધારો થતા આજે શનિવારે વહેલી સવારે 7 વાગે ડેમના 4 ગેટ 5 ફુટ ખોલવામાં આવ્યા છે. અત્યારે ડેમના ત્રણ પાવર હાઉસ કાર્યરત છે અને જેના દ્વારા 47120 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક બે લાખ ક્યુસેક ઉપર જતી રહી હતી. જેના કારણે ડેમનું જળ સ્તર અને રુલ લેવલ જાળવવા માટે ડેમમાંથી લાખો ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું.
જેથી મહી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ પણ કરાયા હતા અને સર્તકતાના ભાગ રૂપે એક એનડીઆરએફની ટીમ પણ તંત્ર દ્વારા તૈનાત રાખવામાં આવી છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક 53508 ક્યુસેક છે અને ડેમનું જળ સ્તર 416.9 ફૂટ છે. ડેમમાં ઉપરવાસમાંથી આવક વધી છે. જેને લઇને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આવક વધશે તો ફરીથી ડેમમાંથી પાણી છોડવાની શકયતાને નકારી ન શકાય.