હજારોની સંખ્યામાં યાત્રિકો તેમજ પદયાત્રાળુઓ માઁના ચરણોમાં શીશ નમાવી રહ્યા છે. રજાઓના સંગમના દિવસોમાં યાત્રાળુઓની દર્શન માટે કતાર લાગી રહી છે. માતાના મઢ જાગીર દ્વારા યાત્રિકો માટે મંદિરમાં દર્શન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન દર્શન માટે મંદિરના દ્વાર ખૂલવાનો સમય સવારના 5 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને 3 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાનો રહેશે.
મા આશાપુરાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રિમાં ભક્તોનો પ્રવાહ
ભૂજઃ ચૈત્રી નવરાત્રીમાં માતાના મઢ એટલે કે કચ્છના કુળદેવી માઁ આશાપુરાના મઢ ખાતે ભાવિક ભક્તોનો સતત પ્રવાહ વધી રહ્યો છે.
સાતમના દિવસે મંદિરના દ્વાર આખી રાત્રિ ખુલ્લા રાખવામાં આવશે અને આઠમની બપોરે મંદિર બંધ થશે. આગામી તા.12 એપ્રિલે સાતમ હોવાના કારણે રાત્રિના 1.30 વાગ્યે હવનની પૂર્ણાહૂતિના રુપે બીડું હોમાશે અને રાજા યોગેન્દ્રસિંહના હસ્તે આરતી ઉતારવામાં આવશે. હવન બાદ માતાજીને ખીરજ(દૂધપાક) નો પ્રસાદ ધરાવામાં આવશે. તેમજ માતાજીની વાડીમાંથી જવેરાનો પ્રસાદ માઈ ભક્તોને અપાશે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નવરાત્રીના ઉપાસકો ઉપવાસ છોડશે.
માતાના મઢમાં આ વર્ષે ગરબી મંડળ દ્વારા તા. 14મી એપ્રિલ સુધી રોજ આરતી યોજાશે. ખ્યાતનામ કલાકારો માતાના ગરબા ગાવાની સાથે ગરબા રમી રહ્યા છે. કચ્છના અલગ-અલગ વિસ્તારમાંથી લાંબો પથ કાપીને આવતા પદયાત્રીઓ થાક ભૂલી હોંશભેર ગરબા રમી રહ્યા છે.