કચ્છ: જિલ્લાના રાપરમાં ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કેસના મુખ્ય આરોપી ભરત જેંતીલાલ રાવલને પૂર્વ કચ્છ પોલીસની ટીમ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત કામગીરી સાથે મુંબઈથી ઝડપી પાડયો છે. ગત સાંજે(શુક્રવાર) આ ઘટના બાદ કચ્છભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને આજે શનિવારના રોજ મોડી સાંજ સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ વચ્ચે મુખ્ય આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. બીજી તરફ રાપર શહેરમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે અને આજે સાંજે મુખ્ય બજારો બંધ થઈ ગઈ હતી.
કચ્છ રાપર વકીલ હત્યાકેસના મુખ્ય આરોપીની મુંબઈથી ધરપકડ, પાંચ સ્થાનિક આરોપી રાઉન્ડઅપ - કચ્છ બોર્ડર રેન્જ
કચ્છ રાપર વકીલ હત્યા કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસની ટીમ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરત જેંતીલાલ રાવલને ઝડપી પાડયો છે. જ્યારે અન્ય પાંચ સ્થાનિક આરોપી રાઉન્ડઅપ કર્યા છે.
કચ્છ બોર્ડર રેન્જના IG જી.પી મોથાલિયાએ જણાવ્યું હતું કે હત્યાની આ ઘટના બાદ પોલીસની વિવિધ 10 ટીમો કામે લાગી હતી. મુખ્ય આરોપી ભરત રાવલ સુધી પહોંચવા માટે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી મુંબઈ તરફ નાસી છૂટયાની બાતમી બાદ એક ટીમ મુંબઈ પહોંચી હતી અને મુંબઇ ક્રાઇમ બ્રાંચની મદદ સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ આરોપીને લઈ આવવાની કાર્યવાહી ચાલી રહી છે. હત્યા પાછળના મુખ્ય કારણોની તપાસ હજુ ચાલી રહી છે. મુખ્ય આરોપીની પૂછપરછ બાદ તે વધુ સ્પષ્ટ કરી શકાશેઆ ઉપરાંત પોલીસે વાગડ માંથી અન્ય પાંચ આરોપીઓને પણ રાઉન્ડઅપ કર્યા છે.
બીજી તરફ રાપરની હત્યા કાંડના પગલે ગુજરાત બાર એસોસીએશન ભુજ બાર એસોસિએશન દ્વારા સમગ્ર ઘટનાને વખોડી કાઢીને તત્કાળ અને કડક કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છના વિવિધ માર્ગોપર વિરોધ પ્રદર્શન પણ થયા હતા.