કચ્છમાં જન અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ જનરલ નર્સિંગ હેલ્થ કેર અંગે તાલીમપ્રાપ્ત 50માંથી 20 બહેનોને પ્રમાણપત્ર મળે એ પહેલા જ નર્સિંગ હેલ્થ કેરમાં નિમણુક મળી ગઈ છે. અને બાકી રહેતા તાલીમાર્થીઓની નિયુક્તિ માટે તજવીજ શરુ કરવામાં આવતા તાલીમાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ ગઇ છે. મેડિકલ કોલેજના કક્ષમાં અદાણી સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા આયોજિત 3 મહિનાની નર્સિંગ કોર્ષ (GDA) અને બ્યુટી પાર્લર સહિતની કુલ 110 બહેનોને સર્ટિફીકેટ વિતરણ સમારંભમાં આ માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષણાધિકારી ડો. બી.એન.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમના સથવારે અત્યાર સુધીનાં તાલીમાર્થીઓની સાફલ્યગાથા પ્રસ્તુત કરતી પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ડો. પ્રજાપતિએ કહ્યું કે,’આજે કોઈપણ ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવતા વર્ગની સમાજને જરૂર છે. કૌશલ્યપ્રાપ્ત વ્યક્તિ ક્યારે બેકાર નહી રહે.’