કચ્છમાં આ વર્ષે નવ હજાર ત્રણસો હેકટરમાં કેસર કેરીનો પાક લેવાયો હતો. જેમાં મોર પણ સારા આવ્યા હતા પણ ઉત્પાદન ઘટીને 72 હજાર ટન જેટલું જ રહે તેવી શકયતા જોવાઈ રહી છે. કચ્છમાં ગત વર્ષે 77 હજાર ટન કેસર બજારમાં આવી હતી. જે ત્રણ વર્ષની સરેરાશ 90 હજાર ટન કરતા 18 હજાર ટન ઓછી છે. આ વખતે 45 ડિગ્રી ગરમી અને તે પહેલા જાન્યુઆરીમાં સખત ઠંડીને પગલે બજારમાં 20 ટકા માલ ઓછો ઉતરે તેવી ધારણા ખેડૂતો રાખી રહ્યા છે.
કચ્છમાં આ વખતે દર વર્ષની જેમ આંબે મોર સારા જ આવ્યા હતા પરંતુ વહેલા મોર આવ્યા બાદ સખત ઠંડીને કારણે થોડી અસર પડી હતી અને આ બાદ હિટવેવ અને હવે કેરી બજારમાં આવવાના સમયે તેજ ગતિમાં પવન ફુંકાઈ રહ્યો છે આ કારણે કચ્છની કેરીના ઉત્પાદનને અસર પડી છે.
કેરી બજારમાં વહેલી આવવા સાથે માલનું ઉત્પાદન ઓછું હોવાથી એકસપોર્ટ થશે. આ કારણે બજારમાં માલ ઓછો અને માગ વધુ રહેશે તેથી ભાવ પણ ઉંચકાશે. સામાન્ય રીતે ખેડૂતોને ઉત્પાદન ઓછું થાય તો નુકસાની જાય છે પણ કેરીના પાકમાં વધુ ભાવ મળવાથી ખેડૂતોનું નુકસાન સરભર થઈ જશે. કેસર કેરી બજારમાં આવતા જ મુંબઈથી નિકાસ કરતા વેપારીઓ કચ્છમાં ઉતરી પડશે. કારણ કે, મોટી સાઈઝની સજીવ ખેતીની કચ્છની કેસરનું માગ વિદેશોમાં પણ ખુબ રહે છે. આ વખતે માલનું ઉત્પાદન ઓછું હોવાથી નિકાસની બજાર પણ ખુબ ઉંચી રહે તેવી શકયતા છે
કેરી પ્રેમીઓ માટે છે માઠા સમાચાર, ઉંચકાઈ શકે છે કેરીના ભાવ કચ્છની કેસર કેરી પહેલા ભોજનના ભાણામાં અને પછી જયારે સીધી જ મોઢામાં ઉતરે છે ત્યારે તેની ક્વોલિટી, અને કચ્છની કુદરતી સંપદાનો ખરો અર્થ સમજાય છે અને તેથી જ નિકાસકારોની સાથે સ્થાનિકે પણ નાગિરકો પણ મોં માંગ્યા દામ આપીને કચ્છની કેસર કેરીને પોતાના ભાણા સુધી લઈ જાય છે.
કચ્છના નાયબ બાગાયત નિયામક ફાલ્ગુન મોઢના કહેવા મુજબ, આ વર્ષે માંડ 70 હજાર ટન માલ બજારમાં આવે તેવી ધારણા હાલમાં તબકકે છે. ફલાવરિંગ અને સેટિંગ જોતા કચ્છમાં નવ હજાર હેકટરમાં 90 હજાર ટન માલ ઉત્પાદનની આશા હતી, પરંતુ અચાનક વરસાદ અને વધુ ગરમીએ હવે કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને લોહતત્વયુકત કેરીમાં હવે પવનથી માલ પડી જતા આગોતરો માલ મોડો આવશે.