કચ્છ: કોરોના વાઈરસના ફેલાવા તેમજ તેના ગંભીરતાને રાખી પરિસ્થિતિને ગંભીરતાથી લઈને રાજ્યપ્રધાન વાસણ આહિર ભુજમાં એક બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા વિસ્તૃત માહિતી પુડી પાડવામાં આવી હતી. શંકાસ્પદ કે સંક્રમિત વ્યકિતઓના ઘરની બહાર તકતી મૂકવાની તેમજ પોર્ટ, એરપોર્ટ, રેલવે સ્ટેશન તેમજ જાહેર સ્થળોએ લેવાયેલા સાવચેતીના પગલાંની વિગતોથી વાકેફ કરાયા હતા.
જનતા કર્ફ્યુમાં કચ્છીમાડુઓ આપશે વિશેષ યોગદાન, પ્રધાન વાસણ આહિરે કરી સમીક્ષા
કોરોના વાઈરસની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના પ્રધાન વાસણભાઇ આહિરે કચ્છમાં પરિસ્થિતિનો તાગ મેળવવા તંત્ર સાથે બેઠક યોજી હતી. કોરોના વાઈરસના ફેલાવા તેમજ તેના ગંભીરતાને રાખી પરિસ્થિતિને કાબુમાં કરવા અગે સમિક્ષા કરી હતી.
જિલ્લામાં સોમવારથી હાઉસ ટુ હાઉસ આંગણવાડી કાર્યકર અને આશા બહેનોની પણ મદદ લેવાશે. 10 તાલુકા મથકે આઈસોલેશન વોર્ડ તૈયાર છે. તેમજ વિદેશથી આવેલા 289 લોકોને કવોરોન્ટાઈન કરી અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે જિલ્લામાં કોરોના વાઈરસ અંગે તમામ બાબતોથી પ્રધાને વાકેફ કર્યા હતા. તેમજ આગામી આયોજન અંગે પણ માહિતી આપી હતી.
રાજ્યપ્રધાન વાસણ આહિરે આ તબકકે ખમીરવંતા કચ્છીમાડુઓ સ્વંયભૂ જનતા કરફ્યૂ સાર્થક કરે તેવી અપીલ કરતાં જણાવ્યું હતું કે, રવિવારે વડાપ્રધાન દ્વારા જાહેર કરેલા સવારે 7થી રાત્રિના 9 વાગ્યાના જનતા કરફ્યૂમાં જોડાઓ. ભૂકંપ, રોગચાળા અને કુદરતી આપદામાંથી બેઠા થયેલા કચ્છીઓ કોરોનાને માત આપશે એનો મને વિશ્વાસ છે. સ્વ અને સ્વજનો માટે સ્વંભૂ જનતા કરફ્યૂનો અમલ કરીએ તેમજ સાંજે 5 કલાકે 5 મિનિટ માટે કોરોના વાઈરસ અટકાવવા તથા તેને સબંધિત કામગીરીમાં જોડાયેલી સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, તબીબી કર્મચારીઓ, પોલીસ કર્મીઓ તેમજ અન્યોનું અભિવાદન કરવા સૌ નાગરિકોએ તેમના ઘર તેમજ બાલ્કની પાસે ઉભા રહીને તાળી પાડીને, થાળી વગાડીને કે, ઘંટી વગાડીને તેમના કાર્યને બિરદાવીએ અને તેમની સેવાને સલામ આપીએ. કોરોના મહામારીને માત આપવા સ્વચ્છતા અને સાવચેતી જાળવીએ તેવો અનુરોધ તેમણે કર્યો હતો.