કચ્છના ઘાસચારા માટેના આ ખાસ પ્રોજેક્ટમાં સરપંચ અને ગામ લોકોનો સહયોગ લઇ વેસ્ટ વોટર દ્વારા મોટા પાયે ઘાસચારા વાવેતરની યોજનાનું આયોજન કરાયું છે. ફોરેસ્ટની જમીનમાં પણ ઘાસચારાનું વાવેતર કરવા માટે વન વિભાગ સાથે સંકલન સાધી કાર્યવાહી કરવા વહીવટીતંત્ર દ્વારા નિર્દેશો આપી દેવામાં આવ્યાં છે.
કચ્છમાં દુષ્કાળ પડે પણ નડે નહી તે માટે આયોજનની કરાઈ શરૂઆત જિલ્લામાં વન વિભાગને પણ તંત્ર દ્વારા સામેલ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં કચ્છને ઘાસચારા માટે અન્ય જિલ્લાઓ પર નિર્ભર ન રહેવું પડે તે માટેની કવાયત હાથ ધરાઇ છે. ચાલુ વર્ષે પૂર્વ વન વિભાગ દ્વારા 560 હેક્ટરમાં તેમજ પશ્ચિમ વન વિભાગ દ્વારા 730 હેક્ટરમાં ઘાસચારા વાવેતરનું આયોજન કરાઇ ચૂક્યું છે.
કચ્છમાં આવેલાં ઔદ્યોગિક એકમો પણ આ ક્ષેત્રે કામગીરી કરી રહ્યાં છે. ત્યારે અન્ય એકમો પણ પોતાના CSR ફંડનો ઉપયોગ આ ક્ષેત્રે કરતાં થાય તે માટે પ્રયાસો હાથ ધરીને કામગીરીનું ફલક વધારવામાં આવી રહ્યું છે.
ઘાસચારા સ્વાયતતા અને ગૌચર સંવર્ધન ક્ષેત્રે કાર્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોને જોડવા જિલ્લા વહીવટીતંત્રએ તાજેતરમાં એક બેઠકનું પણ આયોજન કરાયું હતું. જેમાં કે.એફ.એફ.એફ.એ.ટી.ના જયેશભાઈ લાલકા, વર્ધમાન પરિવારના જીતુભાઈ શાહ, સહજીવન સંસ્થાના રમેશભાઈ ભટ્ટી, મનોજભાઈ સોલંકી, કાઝરીના ડૉ. સીતારામ જાટ, અદાણી ફાઉન્ડેશનના માવજીભાઈ બારૈયા, સીજીપીએલ મુંદરાના આસીફખાન પઠાણ, ગાઇડ સંસ્થાના ડૉ. વિજયકુમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
હાલ કચ્છની 1.20 લાખ હેક્ટર જેટલી ગૌચર જમીન નીમ થયેલ છે. પશુધન માટે દૈનિક 60 લાખ કીલો ઘાસની જરૂરિયાત સામે 30 લાખ ઘાસ લીલાચારા દ્વારા, બાકીના 30 લાખ સૂકાચારારૂપે ઘેટા-બકરાનાં ભેલાણમાંથી મળતો સૂકો ચારો બાદ કરતા દૈનિક 9 લાખ કીલો સુકા ચારાની જરૂરિયાત છે.