મળતી વિગતો મુજબ, ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રેલવેની હદમાં થયેલા દબાણો હટાવની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે ટીમને કામગીરી કરવા સમયે સ્થિતી ગંભીર બની હતી અને દબાણ હટાવ મુલતવી રખાયું હતું. આ વચ્ચે શનિવારે એક ટોળું દબાણના મુદ્દે રજુઆત કરવા કચેરીમાં પહોંચ્યું હતું. આ દરમિયાન બન્ને પક્ષ વચ્ચે હાથાપાઈ થઈ હતી. જેને પગલે કચેરીમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. એક પક્ષે નગરપાલિકાના અધિકારીઓ સાથે હાથાપાઈ કરીને તોડફોડ કરવાનો આક્ષેપ કર્યો હતો. તો બીજા પક્ષે માર માર્યાની અને ફાયરિંગ કર્યાનો આક્ષેપ કર્યો હતો.
ભચાઉ નગરપાલિકામાં દબાણ મુદ્દે રજુઆત કરવા પહોંચેલા લોકોએ મચાવ્યો હોબાળો
કચ્છ: જિલ્લામાં આવેલા ભચાઉ ખાતે નગરપાલિકામાં તોડફોડ અને ફાયરિંગ કરાયાના આક્ષેપની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ત્યારે શનિવારની બપોરે કચેરીમાં રજુઆત કરવા પહોંચેલા ટોળાએ તોડફોડ કરતા જ મામલો બચક્યો હતો અને ભારે હંગામો મચી ગયો હતો. બન્ને પક્ષના સામ-સામા આક્ષેપો વચ્ચે આ ઘટનાથી કચ્છભરમાં સનસનાટી મચી ગઈ હતી. જો કે, પોલીસે સમગ્ર મામલો શાંત પાડીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ કચેરી ખાતે બબાલ બાદ એક જૂથના લોકોનું ટોળું રોડ પર પડકારા કરતું નીકળતા પરિસ્થિતિ હિંસક વળાંક લે તેવી ભીતિથી સર્જાઇ હતી. જો કે, પોલીસે સમગ્ર શહેરમાં ઠેર-ઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી. આ ઘટના બાદ રસ્તા પર ફરતુ ટોળું અને પોલીસ સાથે ઉગ્ર દલીલબાજી કરતા વીડિયો વાયરલ થયા હતા. શહેરમાં તોફાન ફાટી નીકળવાના ભયે ભચાઉના બજારની દુકાનોના શટર ટપોટપ પડી ગયા હતા.
આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ સૂનકાર વર્તાતો હતો. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ LCB, SOG તેમજ આસપાસના પોલીસ મથકોનો કાફલો ભચાઉમાં ખડકી દેવામાં આવ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ભચાઉ દોડી ગયા હતા. જો કે આ હુમલામાં બે લોકોને ઈજા પહોંચી છે. જેમાં એક ઈજાગ્રસ્ત પૈકી એક જણાએ તેના પર પાલિકા પ્રમુખે ફાયરિંગ કર્યું હોવાનો આરોપ કર્યો છે. જો કે પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ તેની મનાઈ કરી હતી.