કચ્છમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા, સગર્ભા મહિલા દર્દીનુ મોત
ગુરૂવારે કચ્છમાં કોરોના વાઈરસના નવા સાત કેસો નોંંધાયા છે. જ્યારે બીજી બાજુ એક સગર્ભા મહિલાનું મોત થયું છે. જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ મોત પાછળનું મુખ્ય કારણ જાણી શકાયું નથી.
ભૂજઃ કચ્છમાં વધુ સાત પોઝિટિવ કેસ સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 75 પર પહોંચી છે. ગઈકાલે એટલે કે બુધવારે મૃત્યુ પામેલા કચ્છના માંડવી તાલુકાના દરશડી ગામના દર્દીના પરિવારના ચાર સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. કચ્છમાં ચાર મહિલા બે પુરૂષ અને એક સગીર બાળક સહિત સાત લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગુરૂવારે પોઝિટિવ જાહેર થયેલા સાત કેસ પૈકી કચ્છના રાપર તાલુકાની એક સગર્ભા મહિલા સામેલ છે. આ મહિલા ગર્ભાવસ્થાની સારવાર માટે ભૂજ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી, જેનું મોત થયું છે. તે દરમિયાન તેનું પરિક્ષણ માટે સેમ્પલ લેવામાં આવ્યું હતું અને ગર્ભાવસ્થાની ગંભીર સ્થિતિને પગલે તેનું મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું હતું, પરંતુ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ કચ્છમાં વધુ એક મોત સાથે કોરોના સંક્રમિત દર્દીઓની મોતની સંખ્યા ત્રણ પર પહોંચી છે.
જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે, કુલ 75 દર્દીઓ પૈકી 29 દર્દીઓને હોસ્પિટલમાંથી સ્વસ્થ્ય થયા બાદ રજા આપી દેવામાં આવી છે. ત્યારે 43 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ વિવિધ હોસ્પિટલમાં દાખલ છે. સત્તાવાર રીતે બે દર્દીઓના મોત થયાનું સ્પષ્ટ છે, ત્યારે આજે કોરોના પોઝિટિવ આવેલી સગર્ભા મહિલાનું પણ મોત થયું છે. તેના મોતનું કારણ જાણવા માટે તબીબોની પેનલ વધુ તપાસ કરશે. જોકે હાલ પ્રાથમિક અનુમાન મુજબ આ મહિલાનું મોત ગર્ભાવસ્થાની સારવાર દરમિયાન ગંભીર સ્થિતિને પગલે થયાનું માનવામાં આવી રહ્યું છે.