ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મેઘલાડુ મહોત્સવનું આયોજન, CM વિજય રુપાણીએ આપી હાજરી
કચ્છ: ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મેઘલાડુ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં નર્મદા ડેમમાંથી પીવા અને સિંચાઈનાં પાણીને છેવાડાનાં વિસ્તાર સુધી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે. કચ્છમાં પણ નર્મદાનાં કામો ઝડપથી પૂર્ણ કરવા અગ્રિમતાથી કામ ચાલી રહ્યું છે. કચ્છનાં તમામ ડેમો અને તળાવો નર્મદાના પાણીથી ભરવા માટે રાજ્ય સરકાર કચ્છ જિલ્લાને વિશેષ સવલત આપી જિલ્લો વધુ સમૃદ્ધ બને તે દિશામાં સતત કામ કરી રહી છે.
દુકાળ સમયે કચ્છનાં લખપત અને અબડાસાનાં અંતરિયાળ ગામોમાં લોકોનાં પ્રશ્નો સાંભળી નિરાકરણ કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. કચ્છમાં વારંવાર દુકાળનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છમાં ઘાસની તંગી ન થાય અને ઘાસને બહારનાં જિલ્લાઓમાંથી મગાવવું ન પડે તે માટે કચ્છનાં તમામ 10 તાલુકાનાં પાંચ ગામોનાં કલસ્ટર બનાવીને ગૌચરની જમીનમાં ઘાસ ઉગાડવા માટે નવી યોજના બનાવી છે. જેને વ્યાપક સ્વરૂપ આપવા અને આ માટે ફંડની ફાળવણી અંગે આ દિશામાં સરકાર આગળ વધી રહી છે. કચ્છ જિલ્લામાં અછત અંગેની તમામ સબસીડી જુન 2019 સુધીની જ આપવામાં આવતી હતી. જે હવેથી 31 જુલાઈ 2019 સુધી આપવાની જાહેરાત કરતાં મુખ્યપ્રધાને દુષ્કાળમાં અછત રાહત કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર થયેલા પુસ્તક ભવિષ્યનાં અધિકારીઓ માટે ગીતા અને શિક્ષાપત્રી સાબિત થશે તેમ જણાવ્યું હતું.