દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલાના પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણી એ જણાવ્યું હતું કે કંડલા પોર્ટ ઈફકો અને ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના 10 ફાયર ફાયટરોની મદદથી આગ પર કાબુ મેળવી લેવાયો છે. જોકે સુત્રોના કહેવા મુજબ આગ બહારથી કાબુમાં છે, પણ ટેન્કમાં રહેલા બે હજાર મેટ્રીક ટન મિથેનોલ સંપૂર્ણ રીતે સળગી નહી જાય ત્યાં સુધી ટેન્કની અંદર આગ ચાલુ રહેશે.
કંડલામાં થયેલા બ્લાસ્ટમાં તમામ ચારેય કામદારના મોત, દુર્ઘટના સાથે 2009ની યાદો તાજી થઈ - ટર્મિનલમાં બ્લાસ્ટ
કચ્છઃ જિલ્લાના કંડલા પોર્ટ નજીક આવેલા ખાનગી ઈન્ડિયન મોલારસીસ ટેન્ક ટર્મિનલમાં આજે બપોરે બે હજાર મેટ્રીક ટન મિથેનોલ ભરેલા ટર્મિનલમાં બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટનામાં ચાર કામદારોના મોત થયાં છે. જેમાંથી ત્રણના મોતની સતાવાર પુષ્ટિ કરવામાં આવી છે અને હજુ એક લાપતા કામદારની શોધ ચાલી રહી છે. જોકે હવે લાપતા કામદાર જીવીત હોવાની શકયતા ખુબ ઓછી છે.
દરમિયાન સ્થલ પરથી મળતી માહિતી મુજબ આઈએમસીના આ ટર્મિનલમાં 303 નંબરની ટેન્કમાં આજે સમારકામ હાથ ધરાયું હતું. જેમાંચાર કામગારો વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક પહેલા બ્લાસ્ટ થયો હતો અને પછી આગ લાગી ગઈ હતી. દુઘર્ટના સાથે એક કામદારનો મૃતદેહ જોવા મળ્યો હતો. જયારે ત્રણ લાપતા બન્યા હતા. થોડીવાર બાદ બીજા અને ત્યારબાદ ત્રીજા કામદારનો મૃતદેહ પણ મળી આવ્યુ હતું. જોકે ચોથા કામદારની હજુ શોધખોળ ચાલી રહી છે પણ તેની જીતીવ રહેવાની શકયતા નથી.
નોંધનીય છે કે આ રીતે કંડલામાં ઓઈલ ટર્મિનલમાં આગ લાગવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચુકી છે. 2009માં કેસર ટર્મિનલમં લાગેલી આગે બે દિવસ સુધી સમગ્ર કંડલા સંકુલને રીતસર બાનમાં લઈ લીધું હતું. જોકે ત્યારબાદ ફોર્મ ફાયર ફાયટરની સુવિધાઓ વિકસાવી લેવાઈ છે તેથી આજની ઘટનામાં આગને ઝડપભેર બહારના ભાગથી કાબુમાં લઈ શકાય છે.