- ભચાઉ તાલુકાના નેર ગામમાં દલિતો પર થયેલ હુમલાનો મામલો
- જીગ્નેશ મેવાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધી
- દલિતો માટે મંદિરોના દરવાજા ખુલશે તો નવા ગુજરાતનું નિર્માણ થશે: જીગ્નેશ મેવાણી
કચ્છ: અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mewani) કચ્છ જિલ્લામાં બે દિવસથી ભચાઉ તાલુકામાં નેર ગામમાં દલિતો ઉપર થયેલા હુમલા બાબતે પોલીસ તંત્ર સાથે મિટિંગ અને પીડિત પરિવારની મુલાકાતે છે. ભચાઉ ખાતે ડી.વાય.એસ.પી ઓફિસ ખાતે એસ.પી મયુર પાટીલ અને ડી.વાય.એસ.પી સાથે જીગ્નેશ મેવાણીએ મીટીંગ કરી હતી અને ત્યારબાદ રાપર તાલુકાના વરણું ગામના મંદિરમાં દલિતો સાથે પ્રવેશ કર્યો હતો, ત્યારે હુમલામાં ભોગ બનનારા પીડિત પરિવારને મળવા ભુજ ખાતે જી.કે.જનરલ હોસ્પિટલ (Bhuj General Hospital)ની મુલાકાત લીધી હતી.
નેર ગામમાં દલિતો પર હુમલો દલિતો પર જાનલેવા હુમલો થયો છે: જીગ્નેશ મેવાણી
પીડિતોની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામમાં દલિતો પર જીવલેણ હુમલો થયો છે. તેઓએ બહેનોને પણ નથી છોડી. આ ઉપરાંત આ દલિત પરિવારે તેમના પર હુમલો થશે એવી આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ પોલીસ તંત્ર દ્વારા અગાઉથી પગલાં લેવામાં આવ્યાં ન હતાં. વાત માત્ર આ કિસ્સાની નથી પરંતુ ગુજરાતમાં અનેક જગ્યાએ આવા કિસ્સા બની રહ્યાં છે.
નેર ગામમાં દલિતો પર હુમલો કલેક્ટર, ધારાસભ્ય, સાંસદ અને IG એ પણ પીડિત પરિવારની મુલાકાત નથી લીધી: જીગ્નેશ મેવાણી
આજે પણ સમાજમાં ઊંચનીચનો ખ્યાલ હોય અને અસ્પૃશ્યતા જીવતી હોય, લોકોના હૃદય, કૂવા અને મંદિરો આજે પણ દલિત સમાજ માટે ખુલ્લાના હોય એ વાત યોગ્ય નથી. ગુજરાત સરકારની સૌનો સાથ સૌનો વિકાસની વાતો જ છે, પણ ગુજરાતના ઘણાં ગામોમાં છુંઆછૂત ચાલુ છે. ઉપરાંત કચ્છ જિલ્લના કલેકટર પણ એક મહિલા છે છતાં પણ અત્યાર સુધી કલેક્ટરે પીડિતોની મુલાકાત નથી લીધી, ઉપરાંત ધારાસભ્ય, સાંસદ અને આઇજીએ પણ આ પીડિત પરિવારોની મુલાકાત નથી લીધી.
ખરેખર લોકોએ મનુષ્ય બનવાની જરૂર છે
માનવતાને શરમાવે તેવો આ મુદ્દો છે. આને ચૂંટણીની રાજનીતિ સાથે ન જોડાવું જોઈએ. આ મનુષ્ય બનવાની વાત છે. હજુ પણ આપણે દલિત, હિન્દુ, મુસ્લિમ, સવર્ણ જ બન્યા રહેશું. તો મનુષ્ય ક્યારે બનીશું. ખરેખર તો વડાપ્રધાન અને મુખ્યપ્રધાને અપીલ કરવી જોઈએ કે દલિત સમાજ માટે લોકો પોતાના મન ખોલે, મંદિર ખોલે અને કૂવા ખોલે અને જ્યારે આ બધું થશે ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ થશે.
દલિતોને તેમની જમીન પાછી અપાશે
ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ મેવાણીએ પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ સાથે મિટિંગ પણ કરી હતી. જેમાં આ બનાવ બાબતે લાંબી ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાપર અને ભચાઉ તાલુકામાં જે દલિતોની જમીન માથા ભારે લોકોના ગેરકાયદેસર કબ્જામા છે. તેમની સામે ગુના દાખલ કરવા, અરજદારો તથા લાભાર્થીઓ ઉપર કોઈ ખૂની હમલા ન થાય તે માટે યોગ્ય પગલાં લેવા, પોલીસ અને મહેસુલી વિભાગ સાથે રહીને દલિતોને તેમની જમીન પાછી અપાવે તે દિશામાં આવતી 4 તારીખે કામ હાથ ધરાશે.