કચ્છ/ભુજ: કચ્છના મોટાભાગના વિસ્તારોમાં 5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. કચ્છમાં સારા વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ છે અને લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સામાન્યથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સુકા મુલક કચ્છને તૃપ્ત કરી રહ્યાં મેઘરાજ, 5 ઈંચ સુધીના વરસાદથી કચ્છડો ખુશખુશાલ
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. સૌરાષ્ટ્રના સહિતના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ થયો છે. કચ્છમાં લો પ્રેશરને પગલે છેલ્લા બે દિવસથી મેઘરાજા સુકા અને સરહદી મુલક કચ્છને પોતાના હેતથી નવડાવી રહ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં કચ્છમાં નોંધાયેલો વરસાદ
- ભચાઉમાં 169 મીમી
- અંજારમાં 143 મીમી
- ગાંધીધામમાં 118 મીમી
- રાપરમાં 103 મીમી
- ભૂજમાં 82 મીમી
- મુંદરામાં 80 મીમી
- માડવીમાં 23 મીમી
- અબડાસામાં 10 મીમી
- નખત્રાણામાં 04 મીમી
- લખપતમાં 7 મીમી
આ વરસાદને પગલે વિવિધ ગામના અનેક તળાવો છલકાઈ ગયા છે અને ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ભુજના હમીરસર તળાવમાં પણ મોટાબંધમાં આવક શરૂ થઈ છે. જેને પગલે શહેરીજનો ખુશીથી ઝુમી ઉઠ્યા છે. આજે સવારથી મોટાભાગના વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા છે અને હજુ વરસાદની આશા છે. નખત્રાણા, અબડાસા, માંડવી પંથકમાં છૂટા છવાયા ઝાપટા વરસી રહ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, લો-પ્રેશરની અસરથી હજુ બે દિવસ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. આ સ્થિતિને પગલે કચ્છનું તંત્ર પણ એલર્ટ પર છે.